ગુજરાતમાં નવા ઉદ્યોગોએ 80 ટકા નોકરી રાજ્યના યુવાનોને આપવી પડશે

રૂપાણી સરકાર ટૂંક સમયમાં કાયદો ઘડશે
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 25 : મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યુ હતું કે,ગુજરાતમાં જે ઉદ્યોગો કે સર્વિસ સેકટરમાં સાહસો-ઉદ્યોગો આવશે તેમણે 80 ટકા ગુજરાતીઓને રોજગાર આપવા તેમ જ જે વિસ્તારમાં તે સ્થપાય ત્યાં 25 ટકા  સ્થાનિક લોકોને સમાવવાની  જવાબદારી લેવી પડશે તેવો રાજ્ય સરકારે યુવા રોજગારલક્ષી નિર્ણય કર્યો છે. આગામી દિવસમાં તેને કાયદાનું સ્વરૂપ આપવાની દિશામાં આગળ  વધી રહી છે.
અમદાવાદમાં મુખ્ય પ્રધાન એપ્રેન્ટિસશિપ યોજ ના અંતર્ગત 8500  યુવાનોને કરાર પત્રોનું વિતરણ કર્યુ હતું. તેમણે કહ્યું કે, વડા પ્રધાને મેઇક ઇન ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવા જે સંકલ્પ કર્યા છે તેને સાકાર કરવા ગુજરાતમાં માર્ચ-2019 પહેલાં 1 લાખ યુવાનોને આ મુખ્ય પ્રધાન એપ્રેન્ટિસ યોજનામાં કાશલ્યવાન બનાવવાના છે. આના દ્વારા યુવાનોને નવીન તક આપવી છે.
તેમણે કહ્યું  કે, કૉંગ્રેસે ગરીબી હટાવોના નારા લગાવ્યા  પણ ગરીબી હટાવવાના  કે યુવાનોને રોજગારી આપવાના કોઇ આયોજનો કર્યા જ નહીં, કૉંગ્રેસના વડા પ્રધાન નહેરુજીએ `આરામ હરામ હૈ ''નું સૂત્ર આપી દીધું પણ યુવાનોને કોઇ કામ સોંપ્યુ જ નહીં. યુવાનો તેથી જ  આક્રોશ સાથે કહેતા `આરામ હરામ હૈ તો ફિર કામ દિજીએ, નારા કિયા હૈ તો અંજામ દિજીયે' એમ પણ તેમણે કહ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય પ્રધાને ઉદ્યોગ સાહસિક નોકરી દાતાઓનું સન્માન કર્યુ હતું, તેમ જ સૂચિત સોસાયટીઓના લાભાર્થીઓને નો ડયુ પ્રમાણપત્રોનું સનદ વિતરણ પણ કર્યુ હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer