વડતાલમાં ગાદીપતિના વિવાદમાં આચાર્ય અજેન્દ્રપ્રસાદને મળી રાહત

હાઈ કોર્ટે નડિયાદ કોર્ટના ચુકાદા પર આપ્યો સ્ટે
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.25 : વડતાલમાં સ્વામિનારાયણ મંદિરમાં વિવાદ મુદ્દે પૂર્વ ગાદીપતિ આચાર્ય અજેન્દ્રપ્રસાદને ગુજરાત હાઈ કોર્ટમાંથી રાહત મળી છે. હાઈ કોર્ટે નડિયાદ કોર્ટે આપેલા ચુકાદા પર સ્ટે મૂક્યો છે. નડિયાદ કોર્ટે અજેન્દ્રપ્રસાદને ગાદી મુદ્દે તેના હક મામલે 16 વર્ષથી ચાલતા વિવાદની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો અને આચાર્ય અજેન્દ્રપ્રસાદને તમામ હોદ્દા પરથી દૂર કર્યા હતા. 
વડતાલ સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિને લઇને ચાલી રહેલા વિવાદમાં 16 જુલાઇના રોજ નડિયાદ સેશન્સ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાને પગલે વડતાલ મંદિર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું. પોલીસે મંદિર પરિસરની આસપાસમાં આવેલી દુકાનો બંધ કરાવી દીધી હતી. કોર્ટે વર્તમાન ગાદીપતિ રાકેશપ્રસાદની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે અજેન્દ્રપ્રસાદને તમામ હોદ્દા પરથી દૂર કર્યા હતા અને કોર્ટના આદેશનો અનાદર કરવા બદલ તેમને સાત દિવસની સજા ફટકારી હતી. 
2003ના વર્ષમાં વડતાલ મંદિરના ગાદીપતિ એવા આચાર્ય અજેન્દ્રપ્રસાદ નરેન્દ્રપ્રસાદ પાંડેને પરંપરાની વિરુદ્ધ વર્તન કરવા બદલ પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેઓ નિયમ પ્રમાણે પાર્ષદોને દીક્ષા નથી આપી રહ્યા તેમ જ ચરણભેટ પણ જમા નથી કરાવી રહ્યા. બાદમાં દક્ષિણ ઝોન સત્સંગ મહાસભાએ એક ઠરાવ કરીને તેમને પદ પરથી હટાવી દીધા હતા. અજેન્દ્રપ્રસાદ આ મામલે કોર્ટમાં ગયા હતા. 1984માં અજેન્દ્રપ્રસાદની ગાદીપતિ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. 2003માં અજેન્દ્રપ્રસાદને હટાવ્યા બાદ ગાદીપતિ તરીકે રાકેશપ્રસાદજીની વરણી કરવામાં આવી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer