રફાલ સોદાના ગુપ્ત દસ્તાવેજો ભંડારીના ઘરે દરોડામાં કેવી રીતે મળ્યા : ભાજપ

પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 25 : રફાલ સોદાના વિવાદમાં ભાજપે આજે કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને મુખ્ય નિશાન બનાવતાં એવો આરોપ કર્યો હતો કે ગાંધીપરિવારના જમાઈ રૉબર્ટ વડરાના નજીકના મિત્ર સંજય ભંડારીની કંપનીને રફાલ સોદો ન મળ્યો એટલે મોદી સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. સંબિત પાત્રાએ આજે અહીં ભાજપ મુખ્યાલયમાં પત્રકાર-પરિષદમાં જણાવ્યું હતું કે એવો કોઈ ભ્રષ્ટાચારનો મામલો નથી જે કૉંગ્રેસના દરવાજા સુધી પહોંચતો ન હોય. રાફેલ સોદા વિશે કૉંગ્રેસ પાર્ટીમાં હતાશા છે એનાં બે કારણો છે; એક, ઘણાં વર્ષોથી તેમને કમિશન ખાવા મળ્યું નથી અને બીજું, ઘણાબધા પ્રયાસો છતાં તેઓ રાહુલ ગાંધીને લૉન્ચ કરી શક્યા નથી. 2019 નજીક છે અને કોઈ પણ રીતે ધક્કો મારીને તેઓ રાહુલ ગાંધીને લૉન્ચ કરવા માગે છે.
પાત્રાએ જણાવ્યું હતું કે રાફેલ સોદો પાર પાડવા માગતી રૉબર્ટ વડરાના મિત્ર સંજય ભંડારીની કંપની અૉફસેટ ઇન્ડિયા સૉલ્યુશન કૉંગ્રેસની સરકાર વખતે સંરક્ષણ સોદાઓમાં કમિશન ખાઈને દેશની સુરક્ષા સાથે રમત રમતી હતી. મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ આ કંપનીને લાલ ઝંડી બતાવી દેવામાં આવી હતી. આ કંપની 2008માં બની હતી અને આજે એ હજારો કરોડ રૂપિયામાં રમી રહી છે.
રાફેલ સોદાની ખરીદીના ગુપ્ત દસ્તાવેજો જે માત્ર સંરક્ષણ મંત્રાલય પાસે હોવા જોઈએ એ રૉબર્ટ વડરાના મિત્ર સંજય ભંડારીના ઘરે દરોડામાં કેવી રીતે મળ્યા? આ દસ્તાવેજો ત્યાં કેવી રીતે પહોંચ્યા? એવો સવાલ પાત્રાએ કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer