દુરાન્તો ટ્રેનોને બોરીવલીમાં સ્ટોપ આપવાની માગણી

દુરાન્તો ટ્રેનોને બોરીવલીમાં સ્ટોપ આપવાની માગણી
પ્રવાસીઓની સુવિધા માટે સૌરાષ્ટ્ર પેસેન્જર ઍસો.એ રેલવેપ્રધાનને મોકલ્યો ઈ-મેઇલ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : મુંબઈથી રાજકોટ, ઈન્દોર અને જયપુર જતી દુરાન્તો એક્સ્પ્રેસ ટ્રેનોને જતાં-આવતાં બોરીવલી ખાતે સ્ટોપ આપવાની માગણીએ જોર પકડયું છે.
હાલ આ ટ્રેનો મુંબઈ સેન્ટ્રલથી ઊપડયા બાદ સીધી અમદાવાદ ઊભી રહે છે અને આવતી વેળા પણ બોરીવલી ન ઊભી રહેતાં સીધી મુંબઈ સેન્ટ્રલ ઊભી રહે છે. પરિણામે હજારો પરાવાસી પ્રવાસીઓને છેક મુંબઈ સેન્ટ્રલ સુધી લાંબા થવું પડે છે અને તેમને ભારે હાલાકી થાય છે.
સૌરાષ્ટ્ર પેસેન્જર્સ ઍસોસિયેશને રેલવેપ્રધાન પીયૂષ ગોયલને ઈ-મેઇલ કરીને દુરાન્તો ટ્રેનોને બોરીવલી સ્ટોપ આપવા ઉપરાંત અન્ય કેટલીક માગણીઓ કરી છે. ઍસોસિયેશનના મંત્રી નીતિન વોરા અને સંયુક્ત મંત્રી હિમાંશુ બક્ષીએ પ્રવાસીઓની સુવિધા માટે અન્ય કેટલીક માગણીઓ પણ કરી છે.
બાંદરા-વેરાવળ ટ્રેનને ગોંડલ, વીરપુર, કેશોદ, ચોરવાડ સ્ટેશને સ્ટોપ આપવા, મુંબઈ અમદાવાદ ડબલડેકર ટ્રેનને મણિનગર સ્ટોપ આપવા, દિવાળી વેકેશનમાં મુંબઈથી ભાવનગર, પોરબંદર, ભુજ, ઓખા, વેરાવળ માટે હોલીડે સ્પેશિયલ ટ્રેનો દોડાવવા તેમ જ સુરત-મહુવા, બાંદરા-પાલિતાણા અને બાંદરા-ભાવનગર ટ્રેનો દરરોજ દોડાવવાની માગણી પણ કરવામાં આવી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer