25,000 પ્રોફેસરો બેમુદત હડતાળ પર, કૉલેજો સૂમસામ

25,000 પ્રોફેસરો બેમુદત હડતાળ પર, કૉલેજો સૂમસામ
પરીક્ષા ચાલુ હોવા છતાં કામ બંધ આંદોલનથી વિદ્યાર્થીઓ વિમાસણમાં
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : રાજ્યમાં પ્રાધ્યાપકોની ખાલી જગ્યા ભરવા તથા અગાઉના 72 દિવસના આંદોલનનો પગાર મળવા સહિતની વિવિધ માગણીઓ માટે રાજ્યના 25,000 જેટલા પ્રોફેસરો હડતાળ પર ઊતરી ગયા હોવાથી કૉલેજો સૂમસામ બની ગઈ છે. ખાસ વાત તો એ છે કે અમુક કૉલેજોમાં પરીક્ષા ચાલી રહી હોવા છતાં પ્રાધ્યાપકો બેમુદત કામ બંધ આંદોલન પર ઊતરી જતાં વિદ્યાર્થીઓ વિમાસણમાં મુકાયા છે.
પ્રાધ્યાપકોના `મહારાષ્ટ્ર ફેડરેશન અૉફ યુનિવર્સિટી ઍન્ડ કૉલેજ ટીચર્સ અૉર્ગેનાઇઝેશન' સંઘટનાએ આ બેમુદત બંધનું આહ્વાન કર્યું છે. પ્રાધ્યાપકોએ વિવિધ માગણીઓ સંદર્ભે અગાઉ જેલભરો અને એક દિવસની સામૂહિક રજા આંદોલન કર્યું હતું, પરંતુ સરકારે એ તરફ દુર્લક્ષ કરતાં પ્રાધ્યાપકોએ નાછૂટકે બેમુદત હડતાળનું શત્ર ઉગામવું પડયું છે. આજે સવારથી એકેય પ્રોફેસર કૉલેજમાં ફરકયા નહોતા. એને લીધે રાજ્યની 11 યુનિવર્સિટી અંતર્ગત આવતી બધી કૉલેજો સૂમસામ બની ગઈ હતી. અનેક કૉલેજોમાં સવારના સત્રમાં સ્ટુડન્ટ્સ આવ્યા હતા, પરંતુ કૉલેજ બંધ હોવાથી તેમણે ફરી ચાલ્યા જવું પડયું હતું. તો અમુક કૉલેજોમાં પરીક્ષા ચાલી રહી હોવા છતાં પ્રોફેસરોએ હાજરી નહોતી આપી.
મુંબઈ, નાશિક, પુણે, ઉત્તર મહારાષ્ટ્ર, નાગપુર અને ઔરંગાબાદ જેવાં ઠેકાણે પ્રોફેસરની હડતાળની ખાસ્સી અસર જોવા મળી હતી. રાજ્યમાંની અનેક કૉલેજો સવારે 10 વાગ્યા બાદ બંધ કરવામાં આવી હતી. મુંબઈમાં પણ ચેમ્બુરની આચાર્ય કૉલેજથી લઈને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પાસે આવેલી સિદ્ધાર્થ કૉલેજ સુધીની દરેક કૉલેજો સૂમસામ બની ગઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer