મુંબઈ પર આતંકવાદી હુમલા વિશે નિવેદન : નવાઝને હાઈ કોર્ટનું સમન્સ

મુંબઈ પર આતંકવાદી હુમલા વિશે નિવેદન : નવાઝને હાઈ કોર્ટનું સમન્સ
લાહોર, તા. 25 : મહાનગર મુંબઈ પર 26/11ના વિનાશક આતંકવાદી હુમલા સંદર્ભે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે તેમાં પાકિસ્તાનનો હાથ હોવાનું જણાવ્યું હતું. આ અંગે તેમની વિરુદ્ધ કારવાઈની માગણી કરતી અરજીની સુનાવણી દરમિયાન ગત સોમવારે લાહોર હાઈ કોર્ટે નવાઝ શરીફને આઠમી અૉક્ટોબરે કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન જારી કર્યું છે.
શરીફે સર્વ પ્રથમ મે મહિનામાં દૈનિક `ધી ડૉન'ને આપેલી મુલાકાતમાં ખુલ્લેઆમ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો સક્રિય છે અને તેમણે સરહદ પાર `નૉન-સ્ટેટ ઍક્ટર્સ'ને મંજૂરી આપવાની તેમ જ મુંબઈમાં લોકોને મોતને ઘાટ ઉતારવાની પરવાનગી આપવા સામે સવાલ કર્યો હતો.
અખબારને આપેલી વિશેષ મુલાકાતમાં તેમણે મુંબઈ હુમલા પરની ટ્રાયલના સમાપનમાં દેખીતા વિલંબની પણ ઉગ્ર ટીકા કરી હતી. તત્પશ્ચાત લાહોર હાઈ કોર્ટે ડૉનના પત્રકાર સીરિલ અલ્મેડા વિરુદ્ધ ધરપકડનું બિનજામીનપાત્ર વૉરન્ટ જારી કર્યું હતું. તેમ જ તેનું નામ `એક્ઝિટ કંટ્રોલ લિસ્ટ'માં મૂકવાનો આદેશ આપ્યો હતો.
આ બાબતે એક કોર્ટે પત્રકારોને જણાવ્યું હતું કે જસ્ટિસ નકવીએ સિરીલ અલ્મેડાની કોર્ટમાં ગેરહાજરીના મુદ્દે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તેણે પંજાબના નાયબ પોલીસ મહાનિર્દેશકને આઠમી અૉક્ટોબરે યોજાનારી આગામી સુનાવણીમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો.
જજે શરીફના વકીલ નસીર ભુત્તાને પૂછ્યું હતું કે તેમના અસીલ સોમવારે સુનાવણીમાં શા માટે હાજર રહ્યા ન હતા? ભુત્તાએ કહ્યું હતું કે નવાઝ શરીફના પત્ની બેગમ કુલસુમનું 11મી સપ્ટેમ્બરે લંડનમાં ગળાના કૅન્સરથી નિધન થયું હોવાથી શોકગ્રસ્ત નવાઝ શરીફ હાજર રહી શક્યા ન હતા. જોકે, ભૂતપૂર્વ વડા પ્રધાન શાહિદ ખાકન અબ્બાસી કોર્ટમાં હાજર રહ્યા હતા.
દરમિયાન અરજદાર અમીના મલિકે જણાવ્યું હતું કે પનામા પેપર્સ કેસમાં 2017માં ગેરલાયક ઠરેલા નવાઝ શરીઝને એવનફિલ્ડ ભ્રષ્ટાચાર કેસમાં 10 વર્ષની જેલ થઈ હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ત્રણ વખત વડા પ્રધાન રહી ચૂકેલા નવાઝ શરીફનું નિવેદન રાષ્ટ્રવિરોધી હોઈ તેનો ઉપયોગ શત્રુઓ પાકિસ્તાન વિરુદ્ધ કરી શકે છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer