કલંકિત નેતાઓને ચૂંટણી લડતા રોકવા કાયદો ઘડવાનું કામ સંસદનું : સુપ્રીમ કોર્ટ

કલંકિત નેતાઓને ચૂંટણી લડતા રોકવા કાયદો ઘડવાનું કામ સંસદનું : સુપ્રીમ કોર્ટ
ભ્રષ્ટાચારને રાષ્ટ્રીય આર્થિક આતંકવાદ તરીકે ઓળખાવ્યો
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 25 : દાગી નેતાઓ અને ગંભીર અપરાધિક મામલાઓનો સામનો કરી રહેલા આરોપીઓને ચૂંટણી લડવા પર રોક લગાવવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે. એક મહત્ત્વના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે પાંચ વર્ષ અથવા તેનાથી વધુ સજાના મામલામાં આરોપ નક્કી થયા બાદ ચૂંટણી લડવાથી અયોગ્ય કરાર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે, અયોગ્યતાની જોગવાઈ અદાલત જોડી શકે નહીં. આ કામ સંસદનું છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, સંસદ આ અંગે કાનૂન બનાવે. 
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે, તે સંસદના કાર્યક્ષેત્રમાં જઈને દાગી નેતાઓને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકીને લક્ષ્મણરેખા ઓળંગી શકે નહીં. કોર્ટે પોતાના મહત્ત્વના નિર્ણયમાં જણાવ્યું કે, રાજનીતિમાં અપરાધીકરણ અને ભ્રષ્ટાચાર, લોકતંત્ર માટે મોટો ખતરો છે, સાથોસાથ ભ્રષ્ટાચારને રાષ્ટ્રીય આર્થિક આતંકવાદ તરીકે ઓળખાવીને એમ પણ કહ્યું કે, અયોગ્ય ઠેરવવાની જોગવાઈ સુપ્રીમ કોર્ટ કરી શકે નહીં.
જોકે, સુપ્રીમ કોર્ટે દાગી નેતાઓને ચૂંટણી લડવાથી રોક્યા નહીં, પરંતુ કડકાઈ જરૂર દર્શાવી હતી. કોર્ટે કહ્યું કે, જે ઉમેદવાર સામે ફોજદારી કેસ પડતર હોય તેઓ ઉમેદવારીપત્ર ભરતી વખતે એફિડેવિટ દાખલ કરે ત્યારે ક્રિમિનલ કેસ અંગે બોલ્ડ અક્ષરોમાં જરૂર જણાવે. 

Published on: Wed, 26 Sep 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer