કૉલેજ પોતાની પાસે ઓરિજિનલ પ્રમાણપત્ર નહીં રાખી શકે

ખરાઈ કરી વિદ્યાર્થીઓને  પરત કરવાનાં રહેશે : જાવડેકર  
નવી દિલ્હી, તા. 10: માનવ સંસાધન વિકાસ મંત્રાલયને મળેલી ફરિયાદો બાદ હવે કોઈપણ કોલેજ પ્રવેશ સમયે આવેદકોનાં ઓરિજિનલ પ્રમાણપત્રો રાખી શકશે નહીં તેવો નિયમ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રવેશ રદ કરવા ઉપર જો કોઈ કોલેજ ફી પરત નહીં કરે તો તેના માટે દંડ પણ ફટકારવામાં આવશે. 
માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, યુજીસીએ નિયમ બનાવ્યો છે કે, કોઈપણ શૈક્ષણિક સંસ્થા વિદ્યાર્થીઓના સેલ્ફ અટેસ્ટેટ પ્રમાણપત્રો જ લેશે, કોલેજ ઓરિજિનલ ડોક્યુમેન્ટ ખરાઈ માટે માગી શકશે પણ ખરાઈ બાદ ઓરિજિનલ પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને પરત કરવાના રહેશે. જ્યારે પ્રવેશ મળી જાય ત્યારે માઈગ્રેશન સર્ટિફિકેટ પોતાની પાસે રાખી શકશે. જાવડેકરે ઉમેર્યું હતું કે, જો વિદ્યાર્થી એક કોલેજમાંથી પ્રવેશ રદ કરાવીને અન્ય જગ્યાએ પ્રવેશ મેળવવા માગે તો કોલેજો ફી પરત કરતી નહોતી. જેના કારણે હવે પ્રવેશ બંધ થયાના ઓછામાં ઓછા 16 દિવસની અંદર જો પ્રવેશ રદ કરાવવામાં આવશે તો 100 ટકા ફી પરત મળશે. આવી રીતે એક મહિનાના સમયગાળામાં પ્રવેશ રદ કરવા ઉપર 50 ટકા રકમ પરત મળશે. આ નિયમનું પાલન કરવામાં ન આવે તો દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત અગાઉ પ્રોસેસિંગના ફીના નામે રૂપિયા વસૂલવામાં આવતા હતા પરંતુ હવે 5 ટકા અથવા મહત્તમ 5000 રૂપિયા પ્રોસેસિંગ ફી પેટે કાપી શકાશે. 

Published on: Thu, 11 Oct 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer