`મામી''માંથી અનુરાગ કશ્યપનું રાજીનામું

`મામી''માંથી અનુરાગ કશ્યપનું રાજીનામું
હાલમાં બૉલીવૂડમાં `મી ટુ' ઝુંબેશે જોર પકડયું છે અને પોતાના થયેલા શારીરિક શોષણ વિશે અભિનેત્રીઓ કે ક્રૂ મેમ્બર્સ જણાવી રહી છે. ફિલ્મમેકર વિકાસ બહલ પર આ બાબતે સૌપ્રથમ આરોપ મૂકવામાં આવ્યો હતો. ફેન્ટમ ફિલ્મ્સની ભૂતપૂર્વ કર્મચારીએ મૂકેલા આ આક્ષેપ બાદ ખડા થયેલા વિવાદને પગલે અનુરાગ કશ્યપે મુંબઇ એકેડમી ઓફ મુવિંગ ઇમેજિસ (મામી)ના બોર્ડના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે ફેન્ટમ ફિલ્મ્સમાં અનુરાગ, વિકાસ ઉપરાંત વિક્રમાદિત્ય મોટવાને અને મધુ મન્તેના ભાગીદાર હતા. થોડા દિવસ અગાઉ જ આ ભાગીદારો છૂટા પડયા છે અને કંપની બંધ કરી છે. વિકાસ પર આક્ષેપ મૂકવામાં આવ્યો ત્યારે અનુરાગ અને વિક્રમાદિત્યએ તેમાં હામી ભરી હોવાથી વિકાસે તેમના પર બદનક્ષીનો કેસ કર્યો છે અને તેમને `મી ટુના તકવાદીઓ' કહીને વખોડી કાઢયા છે. જયારે અન્યોના મતે પોતાની પાસે સત્તા હોવા છતાં અનુરાગ પીડિતની મદદ કરતો નથી. આથી આ વિવાદાસ્પદ સ્થિતિમાંથી ઊગરવા તેણે `મામી'માંથી નીકળી જવાનો નિર્ણય કર્યો હતો. 
અનુરાગે ટ્વીટમાં જણાવ્યું છે કે, વર્તમાન સંજોગોને ધ્યાનમાં લઇને મેં `મામી'માંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. જયાં સુધી મારા પરના આરોપો દૂર નહીં થાય ત્યાં સુધી હું આ જવાબદારી નહીં સ્વીકારું. બીજી તરફ જે કંઇ બન્યું હતું ત્યારે હું ચૂપ રહ્યો હતો કે આટલાં વર્ષો પગલાં નથી લીધાં એવું નથી. પરંતુ જે લોકો કાયદાકીય અડચણોથી વાકેફ નથી તેમને હું વધુ સમજાવવા તૈયાર નથી. આરોપીનું નામ લાંબા સમય અગાઉ જ બહાર આવી ગયું હતું અને તેના વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મારી સાથે ઘણી મહિલાઓ કામ કરે છે અને યોગ્ય કામ કરવાના અમારા સંઘર્ષની સાક્ષી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer