ઓસિ.ની લડાયક બેટિંગ : પાક જીતથી બે વિકેટ છેટું રહ્યું : પ્રથમ ટેસ્ટ ડ્રૉ

ઓસિ.ની લડાયક બેટિંગ : પાક જીતથી બે વિકેટ છેટું રહ્યું : પ્રથમ ટેસ્ટ ડ્રૉ
ઉસ્માન ખ્વાજાની મેરેથોન ઇનિંગ (141) અને સુકાની ટિમ પેનના સંઘર્ષમય 61* રન
 
દુબઇ, તા.11 : બોલ ટેમ્પરિંગના વિવાદ અને બે મુખ્ય ખેલાડી સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોર્નરના પ્રતિબંધને લીધે દબાણમાં રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમે પાકિસ્તાન સામેનો પ્રથમ ટેસ્ટ લડાયક પ્રદર્શન કરીને ડ્રોમાં ખેંચી કાઢયો હતો. ઓપનર ઉસ્માન ખ્વાજાની લડાયક સદી અને કેપ્ટન ટિમ પેનની જવાબદારીભરી અણનમ અર્ધ સદીથી પાકિસ્તાન પ્રથમ ટેસ્ટમાં વિજયથી માત્ર 2 વિકેટ જ દૂર રહી ગયું હતું. ઓસ્ટ્રેલિયાને ફોલોઓન ન કરવાની સુકાની સરફરાઝ અહેમદની ભૂલ પાકને ભારે પડી હતી.
આજે મેચના આખરી દિવસે ઓસ્ટ્રેલિયાએ 139.5 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 362 રન કર્યા હતા. તેને જીત માટે 462 રનનું લક્ષ્યાંક મળ્યું હતું. આમ તે પુરા 100 રન પાછળ રહ્યું હતું. જ્યારે પાક. ઓસ્ટ્રેલિયાની આખરી બે વિકેટ ખેડવી ન શકતા જીતેલી બાજી ડ્રોમાં પલટાવી હતી. સુકાની ટિમ પેન 194 દડામાં 61 રને અને નાથન લિયોન 34 દડામાં 5 રને અણનમ રહ્યા હતા. જ્યારે મેન ઓફ ધ મેચ ઉસ્માન ખ્વાજાએ મેરેથોન ઇનીંગ રમીને 524 મિનિટ ક્રિઝ પર રહીને 302 દડામાં 11 ચોક્કાથી 141 રને આઉટ થયો હતો. આ સિવાય ટીમ હેડે 175 દડામાં 72 રન કરીને આખરી દિવસે પાક.ના બોલરોને હંફાવ્યા હતા. પાક.ના યાસિર શાહે 4 અને મોહમ્મદ અબ્બાસે 3 વિકેટ લીધી હતી. મેચની ખાસ વાત એ રહી હતી કે બન્ને ટીમ વચ્ચે 20 વર્ષ બાદ અને 80ટેસ્ટ બાદ મેચ ડ્રો થયો હતો.
 

Published on: Fri, 12 Oct 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer