અમેરિકન બજારો પછડાતાં ભારતીય શૅરબજારો મંદીના બોજ હેઠળ

અમેરિકન બજારો પછડાતાં ભારતીય શૅરબજારો મંદીના બોજ હેઠળ
સેન્સેક્ષ ઇન્ટ્રાડેમાં 1000 પૉઇન્ટ તૂટયો, નિફટીમાં ટ્રેડ અંતે 225 પૉઇન્ટનું ગાબડું
 
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : અમેરિકાના બજારમાં આઠ મહિનાના સૌથી મોટા ઘટાડા સાથે એશિયન બજારો 19 મહિનાના તળિયે  ઊતરતાં સ્થાનિક બજારમાં આજે પુન: મંદીનો માહોલ છવાયો હતો. તેમાં ડૉલર સામે રૂપિયો આજે પુન: ટ્રેડ દરમિયાન ઘટીને 74.48ના નવા નીચલા સ્તરે પહોંચતાં સેન્ટિમેન્ટ બગડયું હતું. બીજી તરફ સ્થાનિકમાં કંપની પરિણામોની મોસમ શરૂ થવાના આરે હોવાથી રોકાણકારોએ નવી ખરીદી ટાળી છે. જેથી એનએસઈ નિફટી આજે શરૂઆતથી જ અગાઉના બંધ 10,460થી નવા નજીકના તળિયે 10,169 ખૂલીને વધુ ઘટી 10,138 સુધી ગયા પછીના પ્રત્યાઘાતી ઉછાળે માત્ર 10,336 સુધી ગયો હતો. આ તબક્કે પુન: વેચવાલીનું દબાણ વધવાથી નિફ્ટી ટ્રેડિંગ અંતે અગાઉના બંધ આંક સામે 225 પૉઇન્ટ નીચો 10,235 બંધ રહ્યો હતો. બીએસઈ સેન્સેક્ષ 760 પૉઇન્ટ ઘટીને 34,001ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્ષ ઈન્ટ્રાડે 1037 પૉઇન્ટ્સ ઘટયો હતો.
આજના ઘટાડા પછી બજારમાં પુન: મંગળવારની સ્થિતિ ઊભી થઈ હતી. આજે એનએસઈમાં નિફ્ટીના અગ્રણી શૅરોમાં 42 શૅરના ભાવ તીવ્ર રીતે ઘટયા હતા. માત્ર જાહેર ક્ષેત્રની તેલ-ગૅસ માર્કેટિંગ અને ઉત્પાદન કંપનીઓમાં રોકાણકાર અને પંટરોની લેવાલીથી ભાવ આજે સતત સુધરી ગયા હતા. આજે ઘટાડા દરમિયાન બીઆઈએક્સ (વોલિટાલિટી ઈન્ડેક્સ) 15 ટકા રહ્યો હતો, જ્યારે આઈટી ઈન્ડેક્સ 3 ટકા ઘટાડે હતો. બૅન્કેક્સ 2.1 ટકા સામે અૉટો ઈન્ડેક્સ પણ ઘટાડે કવૉટ થયો હતો. જોકે, છેલ્લા સમયે બૅન્ક નિફ્ટીમાં લેવાલીના અહેવાલો હતા. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર (એફપીઆઈ)નો લોંગ-શોર્ટ ઈન્ડેક્સમાં વાયદાનો અગાઉ રેશિયો ઘટીને 5 અૉકટોબરે 0.57 ટકા રહ્યો હતો. જેથી બજારમાં તીવ્ર વધઘટનો તબક્કો લંબાવાના એંધાણ હોવાનું જાણકારો માને છે.
એનલિસ્ટોના અનુમાન પ્રમાણે રૂપિયાની સતત નબળાઈને લીધે આઈટી ક્ષેત્રની કંપનીઓનાં પરિણામ સારા રહેવાની સંભાવના છે. વ્યક્તિગત શૅરમાં આજે યસ બૅન્કના સીઈઓની સર્ચ કમિટીની બેઠક અગાઉ શૅર રૂા. 217ના નવા તળિયે ઊતર્યા પછી પુન: ભાવ રૂા. 6 વધીને રૂા. 241 બંધ હતો, જ્યારે રિયલ્ટી ઈન્ડેક્સ 2 ટકા નીચે ઊતર્યો હતો, જેમાં પ્રેસ્ટિજ એસ્ટેટનો ભાવ 5 ટકા ઘટયો હતો, જ્યારે ઈન્ડિયાબુલ હાઉસિંગ રૂા. 86 ઘટીને રૂા. 891 બંધ હતો. એચડીએફસી રૂા. 26 ઘટાડે રૂા. 1941 બંધ હતો. ડીએલએફ અને યુનિટેક પણ ઘટયા હતા. નાણાં સંસ્થાઓની કઠણાઈ ચાલુ રહેવાથી ખાનગી બૅન્કો કોટક રૂા. 22, આઈસીઆઈસીઆઈ બૅન્ક રૂા. 8, ઈન્ડસઈન્ડ બૅન્ક રૂા. 45, એસબીઆઈ રૂા. 16, બજાજ ફીનસર્વ રૂા. 369 ઘટયા હતા. અૉટો શૅરોમાં આયશર મોટર્સ વધઘટ પછી રૂા. 225 ઘટયો હતો, જ્યારે મારુતિ સુઝુકી રૂા. 110, રિકો મોટર્સ અને બજાજ અૉટો અનુક્રમે રૂા. 49 અને રૂા. 56 ઘટયા હતા, જ્યારે ફાર્મા અગ્રણી ડૉ. રેડ્ડીસ રૂા. 26, સનફાર્મા રૂા. 16 અને સિપ્લામાં રૂા. 23નો ઘટાડો થયો હતો. મેટલ અગ્રણી ટિસ્કો અને જેએસડબ્લ્યુ સ્ટીલ અનુક્રમે રૂા. 28 અને 15 ઘટાડે હતા. આઈટી ક્ષેત્રના નવા કડાકામાં ટીસીએસ રૂા. 63, ઈન્ફોસિસ રૂા. 27, એચસીએલ ટેક. રૂા. 43 ઘટયા હતા.
માત્ર અૉઈલ માર્કેટિંગ કંપનીઓના શૅર્સમાં સુધારો જોવાતા એચપીસીએલ રૂા. 27, બીપીસીએલ રૂા. 13, ગેઈલમાં રૂા. 17નો સંગીન સુધારો નોંધાયો હતો.
એનલિસ્ટોના સર્વેમાં જણાયું છે કે વૈશ્વિક અને સ્થાનિક સ્થિતિની અનિશ્ચિતતા જોતાં નિફ્ટીમાં વધુ નીચી સપાટીને અવકાશ રહે છે. કેટલાંકના મત પ્રમાણે નિફ્ટી વધઘટે 10,000ની સપાટી ગુમાવશે.
Published on: Fri, 12 Oct 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer