ટીસીએસનો નફો 22.6 ટકા વધીને રૂા. 7901 કરોડ થયો

ટીસીએસનો નફો 22.6 ટકા વધીને રૂા. 7901 કરોડ થયો
શૅરદીઠ રૂા. ચારનું ડિવિડન્ડ

મુંબઈ, તા. 11 : સોફ્ટવેર કન્સલ્ટન્ટ ટીસીએસે જુલાઈ-સપ્ટેમ્બર 2018 દરમિયાન ડિજિટલ સર્વિસીસની માગમાં તીવ્ર ઉછાળાને પગલે કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં 22.6 ટકાની વૃદ્ધિ નોંધાવી છે, જે રૂા. 7901 કરોડ છે. ગયા વર્ષના સમાન ગાળામાં કંપનીનો નફો રૂા. 6446 કરોડનો હતો.
કંપનીએ શૅરદીઠ રૂા. ચારનું ડિવિડંડ જાહેર કર્યું છે.
આ ગાળામાં કંપનીની આવક 20.7 ટકા વધીને રૂા. 36,854 (રૂા. 30,541) કરોડની થઈ હતી. આ ગાળાની શૅરદીઠ આવક રૂા. 20.66 નોંધાઈ હતી.
કંપનીના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર રાજેશ ગોપીનાથને કહ્યું કે, ``બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીએ સારી કામગીરી કરી છે. તમામ વર્ટિકલ્સમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની માગ વધવાને પગલે અને બૅન્કિંગ, ફાઈનાન્સિયલ સર્વિસીસ અને ઈન્સ્યોરન્સ (બીએફએસઆઈ) તથા રિટેલમાં એક્સલરેશન જળવાઈ રહેતાં આવકમાં સારી વૃદ્ધિ થઈ છે.''
ચીફ ઓપરેટિંગ ઓફિસર અને એક્ઝિક્યુટીવ ડિરેક્ટર એન. ગણપતિ સુબ્રમણ્યમે સપ્ટેમ્બર ત્રિમાસિકની કામગીરી સારી ગણાવીને કહ્યું કે એનલિટિક્સ, ક્લાઉડ અને ઓટોમેશનમાં સારી માગ જોવાઈ હતી.
સપ્ટેમ્બર 2018 ત્રિમાસિકમાં કંપનીએ નવા 10,227 પ્રોફેશનલની ભરતી કરી હતી, જે 12 ત્રિમાસિકમાં સૌથી વધારે છે. બીજા ત્રિમાસિકના અંતે એકત્રિત ધોરણે કર્મચારીની કુલ સંખ્યા 4,11,102 હતી. 
છેલ્લા 12 મહિનાના આધારે આઈટી સર્વિસીસ એટ્રિશન રેટ 10.9 ટકાએ સ્થિર હતો.
રૂપિયાના અવમૂલ્યનનો લાભ કંપનીને મળ્યો છે કારણકે તે મુખ્યત્વે ડૉલરના ચલણમાં કામ કરે છે. આ ત્રિમાસિકમાં રૂપિયો 5.6 ટકા ઘટ્યો હતો.
ટીસીએસનો શૅર આજે 3.1 ટકા ઘટીને બંધ રહ્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer