મહારાષ્ટ્ર સ્વાઇન ફ્લૂના જબરદસ્ત સપાટામાં

જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 199 દરદીઓનાં મોત, 16 હજાર શંકાસ્પદ પેશન્ટ્સ સારવાર હેઠળ
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : મહારાષ્ટ્રમાં હવામાનમાં ફેરફારને કારણે સ્વાઇન ફ્લૂના વાઇરસનો ઉપદ્રવ વધ્યો છે. રાજ્યમાં જાન્યુઆરીથી અૉક્ટોબર સુધીમાં 199 જણનાં મરણ નીપજ્યાં છે. રાજ્યમાં વિવિધ સ્થળે સ્વાઇન ફ્લૂની શંકા ધરાવતા 16,000 દરદીઓ હૉસ્પિટલોમાં સારવાર હેઠળ છે.
મહારાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂના વકરેલા ઉપદ્રવની નોંધ આરોગ્ય ખાતાએ લીધી છે. આરોગ્યપ્રધાન ડૉ. દીપક સાવંતના વડપણ હેઠળ રાજ્ય સરકારે નીમેલી રોગચાળાના અંકુશ માટેની સમિતિની બેઠક મળી હતી. રાજ્યની ખાનગી હૉસ્પિટલમાં સ્વાઇન ફ્લૂને કારણે મૃત્યુ પામેલા દરદીઓનો ડેથ ઓડિટ રિપોર્ટ પ્રાપ્ત થઈ રહ્યો છે. તેમાં તબીબી સારવારમાં વિલંબ એ મહત્ત્વનું કારણ હોવાનું જણાય છે.
રોગચાળાને અંકુશમાં લેવા માટેની સમિતિના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે તાવ કે શરદી થાય ત્યારે કેટલાક દરદીઓ પોતાની મેળે દવા કે ગોળીઓ લે છે. સપ્તાહ સુધી તબિયતમાં ફરક પડે નહીં પછી તબીબો પાસે જાય છે. સ્વાઇન ફ્લૂના દરદીઓએ સમયસર તબીબી સારવાર શરૂ નહીં કરી હોવાથી તેઓનાં મરણ નીપજે છે.
આરોગ્યપ્રધાન ડૉ. દીપક સાવંતે સમિતિની બેઠકમાં જણાવ્યું છે કે શરદી, તાવ અને ગળામાં દુ:ખાવાની તકલીફમાં 24 કલાકમાં સારું થાય નહીં તો તબીબોની સલાહથી તાકીદે ટેમી ફ્લૂની ગોળીઓનો ડૉઝ શરૂ કરવો જોઇએ. કોઈ પણ સંજોગોમાં માંદગી પ્રત્યે બેદરકારી દેખાવડી ન જોઇએ. ખાસ કરીને ડાયબિટીસ અને બ્લડપ્રેશરના દરદીઓએ ખાસ કાળજી લેવી જોઇએ.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer