મહારાષ્ટ્રમાં ભાજપના છ સંસદસભ્યો અને 50 વિધાનસભ્યોની કામગીરી સાવ કંગાળ

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે `ચાણક્ય' સંસ્થા પાસેથી ચૂપચાપ કરાવ્યો સર્વે 
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : દુકાળ, મોંઘવારી, ઈંધણમાં ભાવવધારો અને એકંદરે સરકારી ધોરણ થકી ટીકાપાત્ર બનેલી કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની ફડણવીસ સરકાર જનમતની ચકાસણી કરી રહી છે. એના જ એક ભાગરૂપે રાજ્યની ભાજપ સરકારે ગુપચુપ સર્વે કરાવી લીધો હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હીની `ચાણક્ય' સંસ્થાએ કરાવેલા સર્વેમાં ભાજપના રાજ્યના 6 સંસદસભ્યો અને લગભગ 50 વિધાનસભ્યો ખતરામાં હોવાનું એક છાપાના અહેવાલ થકી જાણવા મળ્યું છે. મહારાષ્ટ્રમાં કરવામાં આવેલા આ સર્વે મુજબ ભાજપના 121 વિધાનસભ્યોમાંના 40 ટકા વિધાનસભ્યોની કામગીરી ખૂબ જ કંગાળ છે.
`ચાણક્ય' દ્વારા કરાવવામાં આવેલા આ સર્વેમાં મતદારોને તેમના મતવિસ્તારમાંના સંસદસભ્યો-વિધાનસભ્યોને તેમની કામગીરી સંદર્ભે રેટિંગ-માર્ક આપવાનું કહેવામાં આવ્યું હતું. સંસદસભ્યો-વિધાનસભ્યોની કામગીરી સમાધાનકારક છે કે નહીં? સંસદસભ્ય-વિધાનસભ્યપદ ધરાવતા ઉમેદવારને કન્ટિન્યુ કરવા કે બદલી નાખવા? એવા પ્રશ્નો એ સર્વેમાં પૂછવામાં આવ્યા હતા. સંરક્ષણ રાજ્યપ્રધાન સુભાષ ભામરેની કામગીરી ખૂબ નિરાશાજનક હોવાનું એ સર્વેમાં જાણવા મળ્યું હતું. તેમને 19 ટકા માર્ક મળ્યા હતા. જોકે સુભાષ ભામરેએ પોતાને 50 ટકા મત મળ્યા હોવાનું કહ્યું છે. એ ઉપરાંત રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન એકનાથ ખડસેનાં પુત્રવધૂ રક્ષા ખડસેની કામગીરી પણ નિરાશાજનક રહી છે. ભાજપના સંસદસભ્યો-વિધાનસભ્યોની બેઠક મંગળવારે દાદરના વસંત સ્મૃતિ નામના ભાજપના મુખ્યાલયમાં દેવેન્દ્ર ફડણવીસના અધ્યક્ષપદ હેઠળ યોજાઈ હતી.
મોડી રાત સુધી ચાલેલી એ બેઠકમાં મુખ્ય પ્રધાન ફડણવીસે છેવટે દરેક સંસદસભ્ય-વિધાનસભ્યને બંધ પરબીડિયામાં જે-તે વિભાગના સર્વેનો નિષ્કર્ષ આપ્યો હતો. ઘરે જઈને એ પરબીડિયું (કવર) ખોલજો અને પોતપોતનું રિપોર્ટ-કાર્ડ જોજો એવી સૂચના પણ ફડણવીસે તેમને આપી હતી. એટલું જ નહીં, એ સર્વે સંદર્ભે મીડિયા સામે એક પણ શબ્દ બોલતા નહીં એવી ચેતવણી પણ આપી હોવાનું જાણવા મળ્યું છે.
ભાજપના એક વિધાનસભ્યે જણાવ્યું હતું કે આ સર્વેમાં 40 ટકા જેટલા વિધાનસભ્યોની ચાર વર્ષની કામગીરી તદ્દન કંગાળ હોવાનું નોંધાયું છે. જો બચેલા સમયમાં તેઓ પોતાની કામગીરી સુધારશે નહીં તો 2019માં તેમની જગ્યાએ બીજા ઉમેદવારને તક અપાશે એવી ચીમકી પણ આપવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.
બીજી તરફ જે સંસદસભ્યોને ફક્ત 19 ટકા માર્ક મળ્યા છે તેમની ઉમેદવારી ખતરામાં છે. હાલના ભાજપના 21 સંસદસભ્યોમાંના 6 સંસદસભ્યોની ટિકિટ 2019ના વર્ષની ચૂંટણીમાં કપાવાનાં ચિહ્નો જણાઈ રહ્યાં છે. જેમની ટિકિટ કપાવાની શક્યતા છે તેઓમાં રક્ષા ખડસે, સોલાપુરના સંસદસભ્ય શરદ બનસોડે, સંરક્ષણ રાજ્યપ્રધાન સુભાષ ભામરેનાં નામ હોવાની શક્યતા છે. આશરે 60 ટકા મતદારોએ વિદ્યમાન વિધાનસભ્યો-સંસદસભ્યોની કામગીરીથી સંતોષ વ્યકત કર્યો છે.
Published on: Fri, 12 Oct 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer