ગુજરાત પ્રદેશ મહિલા કૉંગ્રેસ અધ્યક્ષા તરીકે ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાની વરણી

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 11 : અખિલ ભારતીય કૅંગ્રેસ સમિતિના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત પ્રદેશ મહિલા કૉંગ્રેસપ્રમુખ તરીકે રાજકોટ મહાનગરપાલિકાનાં વરિષ્ઠ કૉર્પોરેટર ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાની નિમણૂકને મંજૂરી આપી છે. 
નવનિયુક્ત ગુજરાત પ્રદેશ મહિલા કૉંગ્રેસનાં પ્રમુખ ગાયત્રીબા રાજકોટ મહાનગરપાલિકામાં કૉંગ્રેસ પક્ષનાં નેતા તરીકે સફળ કામગીરી કરી ચૂક્યાં છે. રાજકોટ મહાનગરપાલિકામાં સૌથી વધુ મતે મહિલા કૉર્પોરેટર તરીકે તેઓ ચૂંટાયેલાં છે. કૉંગ્રેસ પક્ષના સંગઠનમાં ગાંધીનગર શહેરના નિરીક્ષક તરીકે તેમણે જવાબદારી સંભાળી હતી. કૉંગ્રેસ પક્ષના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કૉંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ નવનિયુક્ત મહિલા કૉંગ્રેસનાં પ્રમુખ ગાયત્રીબાની નિમણૂકને અભિનંદન સાથે આવકારતાં જણાવ્યું હતું કે વ્યવસાયે વકીલાત ક્ષેત્રે સંકળાયેલાં ગાયત્રીબા રાજકોટ મહાનગરપાલિકાના પ્રજાનાં ચૂંટાયેલાં મહિલા પ્રતિનિધિ તરીકે સક્રિય કામગીરી કરી રહ્યાં છે. તેમની નિમણૂકથી મહિલા કૉંગ્રેસનું સંગઠન વધુ વેગવંતું બનશે. 
દરમિયાન ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સેવાદળના મુખ્યસંગઠક તરીકે ચોટીલા વિધાનસભા ક્ષેત્રના યુવા ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાની નિમણૂકને અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંજૂરી આપી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer