પરપ્રાંતીયો પરના હુમલા : ગુજરાત હાઈ કોર્ટમાં જનહિત અરજીની આગામી સપ્તાહે સુનાવણી

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 11 : ગુજરાતમાં પરપ્રાંતીયો પર થઇ રહેલા હુમલાને લઇને તેઓ હિજરત કરી રહ્યા છે ત્યારે આ મામલે ગુજરાત હાઇ કોર્ટમાં જાહેરહિતની અરજી કરી રજૂઆત કરાઇ છે. આ અરજીમાં સરકાર અને પોલીસ કાયદો-વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા હોવાની રજૂઆત થઇ છે. જે પરપ્રાંતીયો પર હુમલા થયા છે તેવા ઇજાગ્રસ્ત લોકોને વળતર ચૂકવવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી છે. જે લોકો ડરના માર્યા કામધંધે જઇ શકતા નથી તેવા લોકોને પૂરતો ખોરાક અને અન્ય સુવિધા આપવામાં આવે તેવી પણ માગણી કરી છે. વાઈબ્રન્ટ ગુજરાતની પરિસ્થિતિ કથળે તે પહેલાં યોગ્ય પગલાં લેવામાં આવે તેવી અરજદારે માગણી કરી છે. આ મામલે વધુ સુનાવણી આગામી સપ્તાહે હાથ ધરાશે. 
ગુજરાત સરકારે એવી રજૂઆત કરી હતી કે, ગુજરાત એ તમામ ભારતીયોનું રાજ્ય છે. ગુજરાતમાં તમામને રહેવાનો અધિકાર છે. તેમની સુરક્ષા રાજ્ય સરકારની જવાબદારી છે અને આ દિશામાં સરકાર કામ પણ કરી રહી છે. જે ગુના થયા છે તે ગુના નોંધવામાં પણ આવ્યા છે. કોઇ પણ પ્રયાસમાં સરકાર પાછી નહીં પડે તે પ્રકારની ખાતરી સરકારે કોર્ટને આપી છે. 
કોર્ટે રાજ્ય સરકારને કહ્યું છે કે, જે કાંઇ કાર્યવાહી થઇ છે તે તમામની સોગંદનામા દ્વારા કોર્ટને જાણ કરવામાં આવે. જે પગલાં લેવાયાં છે અને અરજદારે જે મુદ્દાઓ રજૂ કર્યા છે તે તમામ બાબતે એફિડેવિટ કરવામાં આવે તે પ્રકારે રાજ્ય સરકારને કોર્ટે આદેશ કર્યો છે. આગામી સપ્તાહે સુનાવણી થશે તે પહેલાં તમામ વિગતોની કોર્ટને જાણ કરવાની રહેશે.

Published on: Fri, 12 Oct 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer