ગુજરાતમાં માત્ર હિન્દુ ધર્મસ્થાનોનો જ પવિત્ર યાત્રાધામમાં સમાવેશ શા માટે ?

હાઈ કોર્ટમાં જનહિતની અરજી નોંધાવાઈ

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 11 : ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા માત્ર હિન્દુ ધર્મસ્થાનોને જ પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કરવા અને ગ્રાન્ટ ફાળવવાના મામલે  હાઇ કોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરવામાં આવી છે. હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી.એમ. પંચોલીની ખંડપીઠે ગુજરાત સરકારને આ મામલે જરૂરી સૂચન લઇ જણાવવા આદેશ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી 12મી ડિસેમ્બરે નિયત કરવામાં આવી છે. 
આ સમગ્ર મામલે જુહાપુરા વિસ્તારમાં રહેતા મુજાહીદ નફીસ વતી ઍડવોકેટ કે. આર. કોષ્ટિએ જાહેરહિતની અરજીમાં એ મતબલના મુદ્દા ઉપસ્થિત કર્યા છે કે, રાજ્ય સરકાર  દ્વારા વર્ષ 1995માં એક ઠરાવ મારફતે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની રચના કરવામાં આવી હતી. જેનો પ્રમુખ ઉદ્દેશ રાજ્યમાં આવેલાં વિવિધ ધાર્મિક સ્થળો ખાતે આવતા ભાવિકો માટે રહેવા સહિતની તમામ વ્યવસ્થા કરવાનો હતો. આ બોર્ડના ચૅરમૅન તરીકે મુખ્ય પ્રધાનની નિમણૂક કરાઇ હતી જેમાં પ્રારંભિક તબક્કે અૉગસ્ટ, 1997માં 6 હિન્દુ ધર્મસ્થાનો અંબાજી, ડાકોર, ગિરનાર, પાલિતાણા, સોમનાથ અને દ્વારકાનો સમાવેશ બોર્ડ હેઠળ કર્યો હતો અને ત્યાં પ્રાથમિક સુવિધા ઊભી કરવા માટે રૂા. 24 લાખની ફાળવણી પણ કરી હતી. જેમાં પીવાનું પાણી, મંદિર સુધીનો રસ્તો, જાહેર શૌચાલયો, ટેન્ટ, સેનિટેશનની કાર્યવાહી વગેરે કરવામાં આવી હતી  આ સિવાય કચરાનો નિકાલ, પાર્કિંગ વ્યવસ્થા, રસ્તાનું સમારકામ તથા તબીબી સગવડ પણ ઊભી કરાઇ હતી, પરંતુ  ત્યાર બાદ સમય વીતવા સાથે આ સંખ્યા વધીને 358 પવિત્ર સ્થાનો સુધી પહોંચી ગઇ છે, પણ તેમાં હિન્દુ સિવાયનાં અન્ય કોઇ ધર્મનાં સ્થળોને સમાવાયાં નથી. આ મામલે  તંત્ર સમક્ષ રજૂઆત કરાઇ હતી, પરંતુ તેનો કોઇ જવાબ મળ્યો નથી. વધુમાં તેમણે એવી રજૂઆત કરી હતી કે, બંધારણે તમામ ધર્મને સમાન ગણ્યા હોય ત્યારે પવિત્ર યાત્રાધામનાં સ્થળોમાં માત્ર હિન્દુ ધર્મનાં સ્થળોનો સમાવેશ કરવાની બાબત ગેરબંધારણીય છે. દરેક સરકાર બંધારણ મુજબ સેક્યુલર હોવી જોઇએ, પરંતુ ગુજરાત સરકારે પવિત્ર યાત્રાધામમાં હિન્દુ સિવાયના અન્ય ધર્મો મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ વગેરેનાં ધાર્મિક સ્થળોનો સમાવેશ કર્યો નથી. માત્ર એક જ ધર્મનાં સ્થળોને પ્રોત્સાહન આપી રાજ્ય સરકાર ગેરબંધારણીય પગલું લઇ રહી છે.  લોકતંત્ર અને સમવાયી વ્યવસ્થાથી સ્થાપિત સરકાર માત્ર એક ધર્મના પ્રચાર માટે કામ કરી શકે નહીં. યાત્રાધામ બોર્ડની આ કામગીરીને ગેરબંધારણીય ઠેરવી રદબાતલ કરવી જોઇએ અથવા રાજ્યના અન્ય ધર્મનાં સ્થળોનો પણ પવિત્ર યાત્રાધામ તરીકે સમાવેશ કરી બોર્ડની ગ્રાન્ટને પાત્ર ઠેરવી ત્યાં આવતા ભાવિકો માટેની રહેવા સહિતની અન્ય વ્યવસ્થા ઊભી કરવાનો આદેશ કરવામાં આવે.
Published on: Fri, 12 Oct 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer