શૅરબજારમાં કડાકો : સેન્સેક્ષ 760 અને નિફ્ટી 225 પૉઈન્ટ તૂટયા

શૅરબજારમાં કડાકો : સેન્સેક્ષ 760 અને નિફ્ટી 225 પૉઈન્ટ તૂટયા
મુંબઈ, તા. 11 : અમેરિકન શૅરબજારો ગઈરાત્રે આઠ મહિનાની નીચલી સપાટીએ પહોંચતાં તેની અસરે આજે સવારે એશિયન બજારો અને નબળાં શરૂ થયેલાં યુરોપિયન બજારોના કારણે ભારતીય બજારોમાં ગઈકાલની તેજી ભૂંસાઈ ગઈ હતી અને સેન્સેક્ષ ઈન્ટ્રા ડેમાં એક હજાર પોઈન્ટ તૂટયો હતો. ટ્રેડિંગના આખરે સેન્સેક્ષ 760 પોઈન્ટ્સ અને નિફ્ટી 225 પોઈન્ટ્સના ઘટાડે બંધ આવ્યા હતા.
પાછલી રાતે અમેરિકાના શૅરબજારો ઉપર મંદીવાળાઓએ કબજો જમાવ્યો હતો, જેમાં ડાઉ 831 પોઈન્ટ્સ અને નેસ્ડાક 315 પોઈન્ટ્સ તૂટયા હતા. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલી ટ્રેડ વૉરની ઝાળ ખુદ અમેરિકાને હવે લાગી રહી છે. ટ્રેડ વૉરની ચિંતા વધવાથી અને ટ્રેઝરી યીલ્ડ્સ વધી રહ્યાં હોવાથી અમેરિકન રોકાણકારો નાસીપાસ બન્યા હતા.
યુએસ ફેડ એ વ્યાજદર વધારતાં યુએસ બોન્ડ યીલ્ડ ઊંચકાયા છે અને તેમાં વર્ષભર તેજી ટકવાની આગાહી થઈ હોવાથી તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે, રોકાણકારો નર્વસ થયા છે, તેમનું માનવું છે કે બોન્ડ યીલ્ડ વધવાથી ઋણનો ખર્ચ વધશે અને તેનાથી કંપનીઓની નફાશક્તિને અસર થશે.
અમેરિકન બોન્ડ યીલ્ડ વધવાથી ડોલર ઉપર ખરીદીનું દબાણ વધ્યું છે, તે કારણે વિકસતાં બજારો અને વિકસિત માર્કેટ ઉપર કરન્સી ક્રાઈસીસ આવવાનો ડર તૈયાર થયો છે. તે કારણે રોકાણ વધુ અમેરિકા તરફ ખેંચાઈ જવાનો ભય તૈયાર થતાં આજે વૈશ્વિક બજારો તૂટયા હતા.    
Published on: Fri, 12 Oct 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer