પીએચડી છોડી આતંકી બનેલો હિઝબુલ કમાન્ડર મન્નાન વાની ઠાર

પીએચડી છોડી આતંકી બનેલો હિઝબુલ કમાન્ડર મન્નાન વાની ઠાર
કુપવાડામાં સુરક્ષા દળોને મહત્ત્વની સફળતા : બે આતંકી ઢેર, ત્રણ જીવતા દબોચાયા
 
શ્રીનગર, તા. 11 : જમ્મુ કાશ્મીરના કુપવાડા જીલ્લામાં ગુરુવારે સુરક્ષા દળોએ એક મહત્વના ઓપરેશનમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ બન્ને આતંકીમાંથી એકની ઓળખ હિઝબુલ મુઝાહિદ્દીનના કમાન્ડર મન્નાન વાની તરીકે થઈ છે. મન્નાન વાની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો પૂર્વ વિદ્યાર્થી હતો. વાની ચાલુ વર્ષે જ એએમયુમાંથી લાપત્તા થયો હતો ત્યાર બાદ અહેવાલ સામે આવ્યા હતા કે તે આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીન સાથે જોડાયો છે. જેના પગલે એએમયુએ મન્નાન વાનીને સસપેન્ડ કર્યો હતો.  
એકાઉન્ટર અંગે મળતી વિગત પ્રમાણે હિઝબુલ કમાન્ડરની શોધખોળ વચ્ચે ગુરવારે સેનાને મન્નાન હંદવાડામાં છુપાયો હોવાની જાણકારી મળી હતી. જેના પગલે સવારના 9 વાગ્યા આસપાસ રાષ્ટ્રીય રાયફલ્સ, પેરા સ્પેશિયલ ફોર્સ, એસઓજી અને સીઆરપીએફની ટીમોએ શાટગુંડ વિસ્તારની ઘેરાબંધી કરી હતી અને છુપાયેલા આતંકવાદીઓને આત્મસમર્પણ કરવા કહ્યું હતું. જો કે આતંકવાદીઓએ સુરક્ષા દળો ઉપર ગોળીબાર કરીને નાસવાનો પ્રયાસ કર્યો હતો. જેની જવાબી કાર્યવાહીમાં જવાનોએ મોરચો સંભાળ્યો હતો અને બે આતંકવાદીને ઠાર કર્યા હતા જ્યારે ત્રણ જીવતા પકડાયા હતા.  માર્યા ગયેલા આતંકીમાં  હિઝબુલ કમાન્ડર મન્નાન વાનીનો પણ સમાવેશ થાય છે.  એન્કાઉન્ટર અને આતંકી પકડાયા હોવાની વાત ફેલાતા આસપાસના સ્થાનિકોએ આતંકવાદીઓના સમર્થનમાં હિંસા શરૂ કરી હતી અને પથ્થરબાજી થઈ હતી. જેના કારણે સુરક્ષા દળોએ અશ્રુવાયુ અને પેલેટગનનો ઉપયોગ કરીને આતંકવાદીઓનું સમર્થન કરી રહેલા સ્થાનિકોને વિખેર્યા હતા. મન્નાન વાનીએ એએમયુમાં પીએચડીનો કોર્સ છોડીને હિઝબુલનો હાથ પકડયો હતો. ત્યારથી જ સેના આતંકીને શોધી રહી હતી. આ ઉપરાંત મોસ્ટ વોન્ટેડ આતંકીની યાદીમાં પણ મન્નાન વાનીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer