આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં `તિતલી'' ત્રાટકતાં 8નાં મૃત્યુ

આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં `તિતલી'' ત્રાટકતાં 8નાં મૃત્યુ
કાંઠાના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી : વાહનવ્યવહાર, ટ્રેન સેવા પ્રભાવિત : કેન્દ્ર સરકાર અને પ્રશાસન એલર્ટ
 
નવી દિલ્હી, તા. 11 (પીટીઆઈ) : બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું તિતલી આજે પૂર્વાનુમાન પ્રમાણે વ્હેલી સવારે આંધ્રપ્રદેશ અને ઓડિશાના તટે પહોંચ્યું હતું અને ભારે તારાજી સર્જી હતી. તિતલીની ત્રાટકતાની સાથે જ દરિયાકિનારાના વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાયા હતા. જેના પરિણામે વૃક્ષો, વીજળીના પોલ જમીનદોસ્ત થઈ ગયા હતા અને 5 લાખ જેટલા લોકો વીજળી વિહોણા બન્યા હતા. તોફાનના કારણે બનેલી દુર્ઘટનાઓમાં આંધ્રપ્રદેશમાં 8 લોકોએ જીવ ગુમાવ્યાના પણ અહેવાલ છે. બીજી તરફ ચક્રવાતના કારણે રેલ વ્યવહારને પણ ભારે અસર પહોંચી હતી. તેમજ 3 લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચવાની ફરજ પડી હતી. 
ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાત તિતલીના કારણે આવેલા ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યવસ્ત થયું હતું. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે,  ચક્રવાત મામલે કેન્દ્ર સરકાર અને પ્રશાસન એલર્ટ ઉપર છે.  સવારે ચક્રવાત ત્રાટક્યા બાદ ઠેર ઠેર વીજળીના પોલ અને વૃક્ષો પડી ભાંગતા વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો અને રાહત કામગીરીમાં અડચણો ઉભી થઈ હતી.   આ દરમિયાન ગોપાલપુરમમાં માછીમારોની હોડી પલટી ગઈ હતી. જો કે રાહત અને બચાવ ટીમે હોડીમાં સવાર તમામ 5 માછીમારોને બચાવી લીધા હતા. ચક્રવાતની તારાજી વચ્ચે રાહત અને બચાવ કામગીરી માટે ઓરિસ્સાએ એનડીઆરએફની 14 ટીમ બાલાસોર, સંભલપુર, ગજાપતિ, નયાગઢ, પુરી, જયર, કેન્દ્રપારા, ભદ્રક, જગતસિંહપુર, ગંજમ અને ભુવનેશ્વરમાં મોકલી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer