NIA ઝાકીર નાઈકની 4 મિલકતોને ટાંચ મારશે

મુંબઈ, તા. 12 : ભાગેડુ ઇસ્લામી ઉપદેશક ઝાકીર નાઈકની મઝગાંવસ્થિત ચાર મિલકતોને ટાંચ મારવાનો આદેશ ગઈકાલે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ) માટેની સ્પેશિયલ કોર્ટે આપ્યો હતો.
નાઈકને 15 જૂન, 2017ના `પ્રોકલેમ્ડ ઓફેન્ડર' જાહેર કરવામાં આવ્યો હતો. મહિનાની અંદર જ એનઆઈએ મઝગાંવમાં આવેલા તેના બે ફ્લેટની જપ્તીની માગણી કરી હતી. તેની મંજૂરી માગતી વેળાએ જ એજન્સીના પ્રોસિક્યુટર `આનંદ સુખદેવે જણાવ્યું હતું કે નાઈકે આ ફ્લેટો વેચવાના પ્રયાસો કર્યા હતા કેમ કે તેની સામે એનઆઈએ કેસ દાખલ કર્યા બાદ તેને વિવિધ સ્રોતો પાસેથી ભંડોળ મળવાનું બંધ થઈ ગયું હતું.
એનઆઈએના જણાવવા મુજબ તે વિદેશમાં નાગરિકત્વ મેળવવા તેમ જ ફ્લેટોના વેચાણ દ્વારા પૈસા મેળવવાનો પણ પ્રયાસ કરતો હતો.
નાઈકના વકીલ અમીન સોલકરે એનઆઈએની માગણીનો વિરોધ કર્યો હતો, પરંતુ કોર્ટે તેને ફગાવી દેતાં કહ્યું કે ભાગેડુ નાઈક કોઈ પણ હિસાબે, તેના વકીલ મારફત સુનાવણીનો દાવો કરી શકે તેમ નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer