આઈટી અને ફાર્મા શૅર્સમાં ખરીદીથી સેન્સેક્ષ-નિફ્ટી ઊંચકાયા

આઈટી અને ફાર્મા શૅર્સમાં ખરીદીથી સેન્સેક્ષ-નિફ્ટી ઊંચકાયા
રૂપિયો સુધરતાં બજારોમાં ખરીદી નીકળી
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : શૅરબજારમાં શરૂઆત સુધારે થયા પછી હોલસેલ ફુગાવાના ઊંચા (મોંઘવારીના) આંકડા અને રૂપિયામાં નવો મૂલ્ય ઘસારાનો આંક ડૉલર સામે 74.48 ક્વૉટ થવાથી બજારમાં સખત વેચવાલી આવી હતી. જોકે, રૂપિયો ટ્રેડ અંતે થોડો રિકવર થયો હતો. પરંતુ એશિયન બજારોમાં નબળાઈને લીધે સ્થાનિક બજારમાં શૅરના ભાવનો અંડરટોન મિશ્ર વધઘટે નબળો રહ્યો છે. આમ છતાં બજારનો સૂચકાંક છેવટે  સુધારે બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી શરૂઆતમાં અગાઉના બંધ 10,472થી ઉપર 10,524 ખૂલીને 10,526 થઇને પુન: ઘટવા લાગતા અને રૂપિયાની સવારની નબળાઈને લીધે નિફ્ટી 10,410 સુધી નીચે ઉતર્યો હતો. આ તબક્કે રૂપિયામાં રિકવરી આવવા સાથે ફાર્મા શૅરો અને ટેક્નૉલૉજી શૅરમાં લેવાલીથી નિફ્ટી પુન: 40 પોઇન્ટ સુધરીને ટ્રેડિંગ અંતે 10,512 બંધ રહ્યો હતો. બીએસઈ સેન્સેક્ષ 131 પોઇન્ટ વધીને 34,865 બંધ હતો.
શૅરબજારમાં વૈશ્વિક બજારોમાં મુખ્યત્વે એશિયન બજારના નબળાઈના સ્પષ્ટ પડઘા સંભળાયા હતા. શરૂઆતમાં નિફ્ટીના અગ્રણી શૅરોમાં 29 શૅર ઘટાડે હતો. પરંતુ રૂપિયામાં રિકવરીથી ટ્રેડિંગ અંતે 27 શૅરના સુધારા સામે 23 શૅર વત્તાઓછા ઘટયા હતા. જેમાં અૉટો શૅરો અને નાણાકીય સર્વિસિસના શૅરોમાં ભારે ઘટાડો નોંધાયો હતો. એની સામે રૂપિયાની નબળાઈથી ટ્રેડિંગ દરમિયાન આઇટી ક્ષેત્રમાં અંદાજે 1.96 ટકાનો સુધારો થયો હતો. ટેલિકૉમ ક્ષેત્રનો ઇન્ડેક્સ 1.29 ટકા સુધર્યો હતો. જોકે રિયલ્ટી ઇન્ડેક્સ 1.72 ટકા નીચે હતો. ફાર્મા ઇન્ડેક્સમાં સૌથી વધુ 2.15 ટકાનો સુધારો થયો છે. જ્યારે મેન્યુફેક્ચરિંગ 1.48 ટકા વધ્યો હતો. આજના ટ્રેડમાં આઇટી ક્ષેત્રમાં ઇન્ફોસિસ 3 ટકા (રૂા. 20) સુધારે રૂા. 699, ટીસીએસ રૂા. 31 અને એચસીએલ ટેક્નૉલૉજી રૂા. 18 વધ્યા હતા. આજે બીપીસીએલ રૂા. 7 વધ્યો હતો. ફાર્મા અગ્રણી ડૉ. રેડ્ડીસ લેબોરેટરીઝમાં રૂા. 116ના ઉછાળા સાથે સિપ્લા રૂા. 25 વધ્યો હતો. જોકે, એમઍન્ડએમ રૂા. 19, મારુતિ સુઝુકી રૂા. 105 અને આઇશર મોટર્સમાં રૂા. 400નો ઘટાડો નોંધાયો હતો. હિન્દુસ્તાન લીવરમાં 19 ટકાની વાર્ષિક વૃદ્ધિ છતાં શૅરનો ભાવ ટ્રેડ અંતે રૂા. 43 ઘટીને રૂા. 1526 બંધ હતો. જ્યારે આઈટીસી રૂા. 7 વધ્યો હતો. જોકે મેટલ ક્ષેત્રમાં અગ્રણી ટિસ્કોમાં રૂા. 6, હિન્દુસ્તાન ઝીંકમાં ટ્રેડિંગ મધ્યે 3 ટકાનો કડાકો હતો. ફાર્મા અગ્રણી બાયોકોન અને લ્યુપીનમાં સંગીન સુધારાથી ફાર્મા ઇન્ડેક્સ સુધાર્યો હતો. અન્ય શૅરો કેડીલા હેલ્થકેર, અરબિંદો અને દીવીસ લેબોરેટરીઝના ભાવમાં 1થી 3 ટકાનો સુધારો નોંધાયો હતો. જોકે, બૅન્કિંગ ક્ષેત્રે એક્સિસ બૅન્ક રૂા. 8, ઇન્ડસઇન્ડ બૅન્ક રૂા. 26, આઈસીઆઈસીઆઈ બૅન્કમાં રૂા. 6નો ઘટાડો થયો હતો. રિલાયન્સ રૂા. 13, ઝી એન્ટરટેઇન રૂા. 6 વધ્યા હતા.
એનલિસ્ટોના જણાવ્યા પ્રમાણે આવતી કાલે આજના 10,500 ઉપરના બંધના લીધે બજારમાં આવતા ઉછાળામાં પણ દોરવાઈ જઇને મોટું લેણ કરવું હિતાવહ નથી. માત્ર ચાર્ટના ટેક્નિકલ લેવને લીધે કરેલું રોકાણ હંમેશાં લાભદાયક હોતું નથી. આ સાથે વૈશ્વિક અને સ્થાનિક રાજકીય અને આર્થિક સંયોગો અને સ્થિતિના પડઘા ચોક્કસપણે સ્થાનિક બજારમાં ઝીલાશે.
એશિયન-વૈશ્વિક બજાર
અમેરિકા અને ચીનની વકરતી રાજકીય અને ટ્રેડ વૉરની સ્થિતિના કારણે એશિયન બજારો સતત નબળા થઈ રહ્યાં છે. વૈશ્વિક બજારોમાં પાછલા અઠવાડિયાના સુધારા સાથે અમેરિકામાં ધિરાણ મોંઘું થતાં હવે સરેરાશ ચિંતા વધી રહી છે.
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer