સપ્ટેમ્બરનો જથ્થાબંધ ફુગાવો બે મહિનાની ટોચે 5.13 ટકા

સપ્ટેમ્બરનો જથ્થાબંધ ફુગાવો બે મહિનાની ટોચે 5.13 ટકા
મોંઘા ખાદ્ય પદાર્થો અને ઈંધણના વધતા ભાવથી
નવી દિલ્હી, તા. 15 : મોંઘા ખાદ્ય પદાર્થો અને પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કારણે જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો સપ્ટેમ્બરમાં વધીને બે મહિનાની ટોચે 5.13 ટકા નોંધાયો હતો. 
અૉગસ્ટમાં ફુગાવો 4.53 ટકા અને ગત વર્ષે સપ્ટેમ્બરમાં 3.14 ટકા રહ્યો હતો.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે અૉગસ્ટમાં 4.04 ટકાના ફુગાવા સામે સપ્ટેમ્બરમાં પ્રમાણમાં નેગેટીવ ફુગાવાના કારણે ખાદ્ય પદાર્થો 0.21 ટકા મોંઘા થયા હતા, જેમાં ભાવ વધવાની તીવ્રતા ઘટી હતી. 
સપ્ટેમ્બરમાં શાકભાજીમાં 3.83 ટકાનો નેગેટીવ ફુગાવો હતો, જે તેના આગલા મહિનામાં 20.18 ટકાનો ફુગાવો નોંધાયો હતો. 
સપ્ટેમ્બરમાં `ફ્યુઅલ અને પાવર' બાસ્કેટનો ફુગાવો 16.65 ટકા હતો. વ્યક્તિગત રીતે પેટ્રોલમાં 17.21 ટકા, ડીઝલમાં 22.18 ટકા અને એલપીજીમાં 33.51 ટકાની વૃદ્ધિ થઈ હતી. 
ખાદ્ય પદાર્થોમાં બટેટા 80.13 ટકા મોંઘા થયા હતા જ્યારે કાંદા અને ફળોના ભાવ અનુક્રમે 25.23 ટકા અને 7.35 ટકા ઘટયાં હતાં. કઠોળના ભાવમાં 18.14 ટકાનો ઘટાડો થયો હતો. 
સપ્ટેમ્બરનો 5.13 ટકા ફુગાવો બે મહિનાની ટોચે છે, આ સ્તર કરતાં ઊંચો ફુગાવો જુલાઈમાં 5.27 ટકા નોંધાયો હતો. 
ગયા સપ્તાહે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો 3.77 ટકા નોંધાયો હતો, જે અૉગસ્ટમાં 3.69 ટકા હતો. રિઝર્વ બૅન્ક નાણાં નીતિ સમીક્ષા સમયે ફુગાવાના આંકડાને ધ્યાનમાં લે છે. 
ગયા સપ્તાહની નાણાં નીતિ સમીક્ષામાં રિઝર્વ બૅન્કે વ્યાજદર વધાર્યા નહોતા પણ ચેતવણી આપી હતી કે ક્રૂડતેલના અસ્થિર અને વધતા ભાવ અને વૈશ્વિક નાણાં પ્રવાહિતા કડક બનવાથી વૃદ્ધિ અને ફુગાવા ઉપર જોખમ છે. 
અૉક્ટોબર-માર્ચ માટે રિઝર્વ બૅન્કે છૂટક ફુગાવો 3.9-4.5 ટકા રહેવાનો અંદાજ રજૂ કર્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer