ગુજરાતીઓ પાસેથી ધંધો શીખવાની રાજ ઠાકરેએ મરાઠીઓને સલાહ આપી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : `ગુજરાતી માણસ હોશિયાર હોય છે એ હવે સમજાય છે. ગુજરાતી માણસ તેમને ત્યાં ગુજરાતી વ્યક્તિને કામે નથી રાખતો. ક્યારેક આપણે તેમના રાજ્યમાં જઈને તેઓ શું કરે છે એ જોવું જોઈએ. ફક્ત ચોપડાં વાંચીને બિઝનેસ કરી ન શકાય', એવો મત મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ વ્યક્ત કર્યો હતો. આવાં પુસ્તક લખનારાઓ કેમ સફળ થતા નથી? એવો પ્રશ્ન તેમણે કાર્યક્રમ દરમિયાન કર્યો હતો.
મુંબઈમાં આજે સોમવારે `મી ઉદ્યોજક હોણાર' (એટલે કે હું ઉદ્યોગપતિ બનીશ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એ કાર્યક્રમમાં રાજ ઠાકરે અને શિવસેનાના સિનિયર નેતા મનોહર જોશી એક મંચ પર ઉપસ્થિત હતા. કાર્યક્રમમાં શરૂઆતમાં રાજ ઠાકરેએ `બહારનાં રાજ્યના લોકો મહારાષ્ટ્રમાં શા માટે આવ્યા?' એવું કહેતાં જણાવ્યું, ``કારણ, અહીં ઉદ્યોગ-ધંધા માટે પોષક વાતાવરણ છે. તાણીતુંસીને ધંધો ન કરી શકાય. ગુજરાતી માણસ હોશિયાર છે એ બાબતે બેમત નથી અને એ હવે સમજાય છે. ગુજરાતી માણસ તેને ત્યાં ગુજરાતી વ્યક્તિને કામે રાખશે નહીં, કારણ, એ ગુજરાતી વ્યક્તિ ત્યાં કામે રહીને ધંધો શીખી લેશે અને પોતાનો નવો ધંધો શરૂ કરશે એવી બીક તેમને સતાવતી હોય છે. આપણે ક્યારેક ગુજરાત જઈને શીખવું જોઈએ. પુસ્તક વાંચીને ધંધો ન કરી શકાય એવું ધ્યાન રાખજો. આવાં પુસ્તક લખનારાઓ ક્યારેય મોટા બિઝનેસમૅન નથી બની શકતા. મરાઠી માણસ વડાપાઉં વેચે છે, પણ એ ધંધો છે, બિઝનેસ નથી એનું ધ્યાન રાખવું જોઈએ.''
ગભરાઈને કોઈ વાત ન બની શકે. ચટકા-ફટકા ખાધા સિવાય કશું થઈ ન શકે એવું કહેતાં રાજ ઠાકરેએ ઉમેર્યું કે ``તમારું સપનું અને તમારી હિંમત મહત્ત્વની છે. આપણા રાજ્યમાં શું દાટયું છે. એનો વિચાર કરશો તો તમને દરેક પ્રશ્નનો જવાબ એમાંથી મળી રહેશે. તમે સફળ બિઝનેસમૅન બની જાઓ તો એક વખત મને મળવા જરૂર આવજો. તમારી પાસે ચૂંટણી માટે ફન્ડ નહીં માગું. એવું લાગે તો ચૂંટણી પત્યા પછી મળવા આવજો અને સફળ બિઝનેસમૅન બન્યાનું જરૂર કહેજો.''

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer