લોકોને ઘરેબેઠા દારૂ નહીં, પણ દુકાળગ્રસ્ત લોકોને મદદ પહોંચાડો : ઉદ્ધવ ઠાકરે

મુખ્ય પ્રધાન ફડણવીસ કહે છે, અમે અૉનલાઈન દારૂ પહોંચાડવાની વાત કરી જ નથી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : મહારાષ્ટ્રના લોકોને ઘરેબેઠા દારૂ પીવડાવવાની જરૂર નથી, દુકાળગ્રસ્તોને ઘરેબેઠા મદદ પહોંચાડો એવો ટોણો શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સરકારને મારતાં કહ્યું કે, `અૉનલાઈન દારૂ ઘરેબેઠા પહોંચાડવાની આપણી સંસ્કૃતિ નથી. રાજ્યનો દેખાડો કરતા પ્રયોગ દરરોજ ચાલી રહ્યા છે. દુકાળગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક મદદ પહોંચાડવાની જરૂર છે. દુકાળગ્રસ્તોને મદદ આપતી લાઈનમાં ઊભા રાખીને મારો નહીં. આવા લોકોને ઘરેબેઠા મદદ પહોંચાડો.'
હવે લોકોને દારૂ ઘરેબેઠા પહોંચાડવામાં આવશે એવું વક્તવ્ય ઉત્પાદન શુલ્ક પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ કર્યા બાદ ચારેબાજુએથી સરકારની ટીકા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ સરકારનો ઊધડો લેવામાં આવી રહ્યો છે. દારૂ પીને વાહન હંકારતા અકસ્માત થાય છે અને એ ઓછા કરવા માટે અૉનલાઈન દારૂ વેચવાની પરવાનગી આપવાની સરકારની તૈયારી હોવાનું જાણવા મળ્યું હતું. એમાંથી સરકારને મહેસૂલી આવક પણ થવાની હતી, પરંતુ લોકોના વિરોધ થકી સરકારે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવી પડી છે.
અૉનલાઈન દારૂ વેચવા સંદર્ભે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સરકારની ભૂમિકા સ્પષ્ટ કરતા કહ્યું કે અૉનલાઈન દારૂ વેચવાનું સરકારે વિચાર્યું નથી અને આવો નિર્ણય સરકાર લેશે પણ નહીં. જોકે, ઘરેબેઠા દારૂ પહોંચાડવાના નિર્ણયનો અનેક સ્વયંસેવી સંસ્થાઓએ અને મહાનુભાવોએ વિરોધ-નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે `હવે શિવસેના પક્ષપ્રમુખે જ સરકારને સંભળાવતા સરકારની નાલેશી થઈ રહી છે. રાજ્ય સરકાર અગાઉથી દારૂને પ્રોત્સાહન આપતી આવી છે અને દારૂબંધીનું નાટક પણ કરે છે. એવો કશો નિર્ણય લેવાશે તો એના માઠાં પરિણામ આવશે.'
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer