ગગનચુંબી બિલ્ડિંગોમાં બારીની ગ્રિલ ખૂલી શકે એવી હોવી જોઈશે

મુંબઈ, તા.15 : ગગનચૂંબી ઇમારતોમાં આગની ઘટનાઓ વખતે રાહત અને બચાવકાર્યમાં અગ્નિશમન દળને અડચણો આવે છે, તેને ધ્યાનમાં લઇને મુંબઈ પાલિકા ગગનચૂંબી ઇમારતોમાં અૉપનેબલ વિન્ડો ગ્રિલ ફરજિયાત કરવાનું વિચારી રહી છે.
શિવસેનાનાં નગરસેવિકા અરુંધતી દૂધવાડકરે પાલિકાના સભાગૃહમાં ધ્યાનાકર્ષક નોટિસ મૂકીને માગણી કરી હતી કે ગગનચૂંબી ઇમારતોમાં કટોકટીના સમયે સરળતાથી ખૂલી શકે એવી અૉપનેબલ વિન્ડો ગ્રિલ મૂકવાનું બીલ્ડરો અને ડેવલપરો માટે ફરજિયાત કરવું જોઇએ. તાજેતરમાં પાલિકાના સભાગૃહમાં આ સંબંધી પ્રસ્તાવ પારિત કરાયો હતો. 
દૂધવાડકરે જણાવ્યું હતું કે શહેરની ગગનચૂંબી ઇમારતોના ફ્લેટ્સમાં હવા-ઉજાસ માટે મોટી બારીઓ હોય છે પરંતુ તેની બહારની તરફ લોખંડની મજબૂત ગ્રિલ હોય છે. આગ સહિતની દુર્ઘટનાઓ વખતે કટોકટીના સમયે રાહત અને બચાવકાર્ય માટે ફાયર બ્રિગેડ સરળતાથી આવી ગ્રિલ ખોલી કે તોડી શકતું નથી, તેમાં સમય વેડફાય અને જાન-માલની વધુ નુકસાની થતી હોવાનું કેટલીક ઘટનાઓમાં જણાયું છે. જો ગગનચૂંબી ઇમારતોમાં અૉપનેબલ વિન્ડો ગ્રિલ્સ બેસાડવામાં આવે તો આવી દુર્ઘટના વખતે ફાયર બ્રિગેડ સરળતાથી તેને ખોલીને તત્કાળ રાહત અને બચાવકાર્ય શરૂ કરી શકે, જેથી જાન-માલની હાનિ ટાળી શકાય છે.
આ પ્રસ્તાવ હવે પાલિકાના કમિશનરની મંજૂરી માટે મોકલાયો છે. તેમની મંજૂરી બાદ ફાયર સેફ્ટી નિયમોમાં હવે ગગનચૂંબી ઇમારતોમાં અૉપનેબલ વિન્ડો ગ્રિલ ફરજિયાત કરવાનો નિયમ ઉમેરાશે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer