અમદાવાદના પોલીસ સ્ટેશનમાં આરોપીનું શંકાસ્પદ મોત મારપીટથી થયાનો પરિવારજનોનો આક્ષેપ

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.15: શહેરના અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં આજે સવારે એક આરોપીનું પૂછપરછ દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસની મારપીટથી આરોપીનું મોત થયું હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. 
પ્રાપ્ત માહિતી અનુસાર, શુરભા ઝાલા નામના શખસને પોલીસે  ચોરીના આરોપમાં પકડયો હતો. જેની પૂછપરછ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ બોપલમાં લાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન શુરભા ઝાલાનું શંકાસ્પદ રીતે મોત નીપજ્યું હતું. જોકે, પરિવારજનોનો આરોપ છે કે, પોલીસના મારથી શુરભા ઝાનું મોત થયું છે. ચોરીના આરોપી શુરભા ઝાલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. 
સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરેન્દ્રનગરનો રહેવાસી  એવો શુરભા ઝાલા નામનો 26 વર્ષીય યુવક ખાનગી ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો હતો.થોડા દિવસ પહેલા શુરભા રાજકોટથી ટ્રકમાં કાર્ટૂનો ભરી નીકળ્યો હતો. તેની સાથે અન્ય લોકો પણ હતા. દરમિયાન રાત્રિના સમયે હાઇવે પર બગોદરા પાસે કાર્ટુનોની ચોરી થઇ હોવાનું શુરભાએ તેના માલિકને જણાવ્યું હતું. જે બાબતે ટ્રાન્સપોર્ટના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમ ચોરીની શંકામાં શુરભા સહિત ત્રણથી ચાર લોકોની અટકાયત કરી બોપલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ લાવી હતી. 
દરમિયાન આજે સવારે એલસીબી પોલીસે સુરેન્દ્રનગરમાં તેના ઘરે જાણ કરી હતી કે, શુરભાનું મૃત્યુ થયું છે, જેથી તેના પરિવારજનોએ અમદાવાદ રહેતા તેમના સગા-સંબંધીઓને જાણ કરી હતી. તેઓ તાત્કાલિક બોપલ પ્રાથમિક સારવાર કેન્દ્રમાં પહોંચતા શુરભાનું મૃત્યુ થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. શુરભાના શરીર પર મારપીટનાના નિશાન જોવા મળ્યા હતા. પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, શુરભા જે કંપનીમાં નોકરી કરતા હતા. તેના ટ્રકમાંથી  ચોરી થઇ હતી, જેમાં શંકાસ્પદ તરીકે શુરભા સહિત ચાર લોકોને ગ્રામ્ય એલસીબી પોલીસે બગોદરાથી અટકાયત કરી હતી. બોપલ  લવાયા બાદ ત્રણ લોકોને પોલીસે છોડી મુક્યા હતા જ્યારે શુરભાને બેસાડી રખાયા હતા. જ્યાં પોલીસ દ્વારા ઢોર માર મારતા કસ્ટોડિયલ ડેથ થયાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે.  જોકે, પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ મોતનું કારણ સામે આવશે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer