મોજશોખ માટે લોકલ ટ્રેનમાં દાગીના તફડાવતી મહિલા ચેનચોરની ધરપકડ

મુંબઈ, તા. 15 (પીટીઆઈ) : મોજશોખ પૂરા કરવા માટે લોકલ ટ્રેનોમાં ચેન સ્નેચર બનેલી મુમ્બ્રાની એક ગૃહિણીની થાણે રેલવે પોલીસે આખરે ધરપકડ કરી છે. આરોપી મહિલાનો પતિ દુબઇમાં નોકરી કરે છે અને પત્નીનાં નવાં કપડાં અને દાગીનાના શોખ પૂરા થઇ શકે એટલી રકમ તે આપતો નથી તેથી આ મહિલાએ ચેન ઝૂંટવવાનો માર્ગ અપનાવ્યો હતો.
આ મહિલા મુમ્બ્રાની એક સંપન્ન સોસાયટીમાં રહે છે અને પતિ ઘર ખર્ચ અને બાળકોને શિક્ષણ માટેની રકમ નિયમિત દુબઈથી મોકલાવે છે, પરંતુ આટલી રકમમાં આરોપી મહિલાના શોખ પૂરા નથી થતાં, એમ પોલીસે જણાવ્યું હતું.  પોલીસના જણાવ્યા પ્રમાણે નોકરને હું કામે જાઉં છું એમ કહીને ઘરેથી નીકળીને આ મહિલા ભીડના સમયે મહિલા કોચમાં સવાર થઇને અન્ય પ્રવાસી મહિલાઓના દાગીના સિફતપૂર્વક ખેંચી લેતી હતી. રેલવે સ્ટેશનોએ દાગીના ચોરાયાની ફરિયાદો નોંધાઇ હતી તે સ્ટેશનોના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં આ મહિલા નજરે પડી હતી. પોલીસે તેની પાસેથી 1.35 લાખ રૂપિયાની કિંમતના દાગીના પણ જપ્ત કર્યા છે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer