વરસાદની આગાહીઓ ખોટી પડતાં મરાઠવાડાના ખેડૂતો વેધશાળાની અૉફિસે મોરચો લઈ ગયા!

પુણે, તા. 15 (પીટીઆઈ) : ચોમાસા સંબંધી ખોટી આગાહીઓના કારણે ગેરમાર્ગે દોરાયાનો આક્ષેપ કરીને અનાવૃષ્ટિનો ભોગ બનેલા બીડ જિલ્લાના ખેડૂતોનું એક જૂથ આજે વિરોધ દર્શાવવા પુણેની ભારતીય વેધશાળા (આઇએમડી)ના અધિકારીઓને મળ્યા હતા.
શેતકરી સંઘર્ષ સમિતિના બેનર હેઠળ વેધશાળાના અધિકારીઓને મળેલા ખેડૂતોએ અગાઉ બે પત્ર પાઠવીને અધિકારીઓને જાણ કરી હતી કે તમારી અચોક્કસ આગાહીઓના કારણે ગેરમાર્ગે દોરાયા અને હવે ખેતી અમારા માટે ખોટનો ધંધો બની રહી છે. 
આ ખેડૂતોના જૂથના સભ્ય ગંગાભિષણ થાવરેએ જણાવ્યું હતું કે વેધશાળાએ આ વર્ષે ચોમાસામાં મરાઠવાડા પ્રાંતમાં સરેરાશથી વધુ એટલે કે લગભગ 104 ટકા વરસાદ થશે, પરંતુ આજે મરાઠવાડામાં દુકાળની પરિસ્થિતિ છે. અમે વેધશાળાની આગાહીઓ પર વિશ્વાસ કરીને ખેતીમાં વાવણી કરી હતી, પરંતુ આગાહી પ્રમાણે વરસાદ ન થતાં મોટા ભાગના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતોએ અધિકારીઓને આવેદનપત્ર સુપરત કરીને ખેડૂતોને નુકસાનીની જવાબદારી આઇએમડીએ સ્વીકારવી જોઇએ, એવી માગણી કરી હતી.
ખેડૂત નેતા અને સ્વાભિમાની શેતકરી સંઘટનાના સંસદસભ્ય રાજુ શેટ્ટીએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં વેધશાળાની આગાહીઓ ખોટી પડશે તો અમારા સંગઠનના કાર્યકરો આઇએમડીને તાળાં મારતાં પણ નહીં ખંચકાય.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer