મહિલા પત્રકાર પ્રિયા રામાણી સામે અકબરે નોંધાવ્યો બદનક્ષીનો કેસ

મહિલા પત્રકાર પ્રિયા રામાણી સામે અકબરે નોંધાવ્યો બદનક્ષીનો કેસ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 15 : ભારતની `મી ટૂ' મુવમેન્ટમાં જેમના પર ડઝનેક મહિલાઓએ જાતીય સતામણીના આરોપો મૂક્યા છે તે કેન્દ્રીય પ્રધાન એમ. જે. અકબરે સૌપ્રથમ તેમના પર આરોપ મૂકનારી પત્રકાર પ્રિયા રામાણી સામે બદનક્ષીનો કેસ કર્યો છે.
જોકે, અત્યાર સુધી આ મુદ્દે ચુપકીદી સેવનાર ભાજપે સોમવારે મૌન તોડયું હતું અને જણાવ્યું હતું કે, અકબરે જાતીય સતામણીના આરોપો અંગે પોતાની બાજુ રજૂ કરી છે અને તેમની આ સ્પષ્ટતા સાથે સંમત થવાનો કે નહીં થવાનો કોઈ સવાલ નથી. ભાજપના પ્રવક્તા જી. વી. એલ. નરસિંહ રાવે જ્યારે અનેક મહિલાઓ દ્વારા જાતીય સતામણીના આરોપો અંગે અકબરે આપેલા નિવેદન વિષે પૂછવામાં આવતાં જણાવ્યું હતું કે, અકબરે પોતાનો પક્ષ રજૂ કરી દીધો છે.
કૉંગ્રેસે બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એવો સવાલ કર્યો હતો કે, પ્રિયા રામાણી સામે એમ. જે. અકબરે કરેલા બદનક્ષીના કેસ પાછળ તેમનો હાથ તો નથી ને?
`એમ. જે. અકબર પાછળ તમારો હાથ તો નથી ને? તેઓ કોના તરફ છે એ અમે વડા પ્રધાનને પૂછવા માગીએ છીએ. શું તેઓ મહિલાઓ સાથે છે કે તેમની વિરુદ્ધમાં છે? અમે સાંભળ્યું છે કે, મહિલા પત્રકાર સામે બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો છે. શું વડા પ્રધાન આ કેસને ટેકો આપે છે? એવો સવાલ કૉંગ્રેસના નેતા આર.પી. એન. સિંહે કર્યો હતો.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer