સબરીમાલા મુદ્દે કેરળના પાટનગરમાં ભાજપના હજારો કાર્યકરોની વિરોધ રૅલી

સબરીમાલા મુદ્દે કેરળના પાટનગરમાં ભાજપના હજારો કાર્યકરોની વિરોધ રૅલી
રિવ્યૂ પિટિશન નહીં નોંધાવવાના સામ્યવાદી સરકારના નિર્ણય સામે આક્રોશ
તિરુવઅનંતપુરમ, તા. 15 (પીટીઆઈ) : ભગવાન અય્યપ્પાના મંત્રોચ્ચાર અને પક્ષના ધ્વજો લહેરાવીને ભારતીય જનતા પક્ષના હજારો કાર્યકરો કેરળના પાટનગરમાં ઊતરી આવ્યા હતા અને એવી માગણી કરી હતી કે સબરીમાલા ખાતે ઋતુત્રાવની વય ધરાવતી મહિલાઓને પ્રવેશ માટે છૂટ આપતા સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે ડાબેરી મોરચાની સરકાર રિવ્યુ પિટિશન નોંધાવે.
આ તકરારી મુદ્દો ઝડપથી રાજકીય મુદ્દો બનવાની સાથે મોટી સંખ્યામાં મહિલાઓની સાથે ભાજપના કાર્યકરો અને સહાનુભૂતિ ધરાવનારા લોકોએ રાજ્ય સચિવાલયને રીતસર ઘેરો નાખ્યો હતો અને સરકાર વિરુદ્ધ મોટું શક્તિ પ્રદર્શન કર્યું હતું. સરકારે એમ જણાવ્યું છે કે
સુપ્રીમ કોર્ટના ચુકાદાનો તે અમલ કરશે અને રિવ્યુ પિટિશન નહીં નોંધાવે.
દેખાવકારોએ 10 અૉક્ટોબરે પથનમથિત્તા જિલ્લામાં પંડલમ ખાતેથી તિરુઅનંતપુરમ સુધીની `સબરીમાલા બચાવો કૂચ' શરૂ કરી હતી.
સચિવાલયની બહાર મેદનીને સંબોધતા ભાજપના મહામંત્રી પી. મુરલીધર રાવે રિવ્યુ પિટિશન નોંધાવવાની વિરુદ્ધ સરકારના નિર્ણય બદલ મુખ્ય પ્રધાન પિનરાયી વિજયનની આકરી ટીકા કરી હતી.
તાજેતરની ઘટનાઓથી કેવળ કેરળમાં જ નહીં પરંતુ દેશ ફરતે અય્પપ્પા ભક્તો વ્યથિત થયા છે. આ કટોકટી બદલ રાજ્ય સરકાર જવાબદાર છે, એમ તેમણે જણાવ્યું હતું.
સબરીમાલા મંદિર 17 અૉક્ટોબરે જાહેર દર્શન માટે ખૂલવાના માત્ર બે દિવસ અગાઉ વિરોધકૂચનું સમાપન થયું હતું. મલયાલમ મહિનો તુલમ દરમિયાન પાંચ દિવસીય પૂજા પછી 22 અૉક્ટોબરે મંદિર બંધ થશે.
દસ અને પચાસ વર્ષની વય વચ્ચેની કન્યાઓ અને મહિલાઓને મંદિરમાં પ્રવેશની છૂટ આપતા સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરવાનું સરકાર માટે કપરું બની રહેશે. કારણકે અનેક ધાર્મિક સંગઠનોએ વિરોધી દેખાવોની ધમકી આપી છે.
દરમિયાન, રાજ્યના ઉદ્યોઁગપ્રધાન ઇ. પી. જયરાજને એવો આક્ષેપ કર્યો હતો કે ભાવનાશીલ મુદ્દે હિંસા ભડકાવવાના `સંઘ પરિવાર' અને કૉંગ્રેસ પ્રયાસ કરી રહ્યા છે. જોકે, તેમણે જણાવ્યું હતું કે અય્યપ્પા ભક્તો સાથે સરકાર ઘર્ષણ નથી ઇચ્છતી. `સ્થાપિત હિત' ધરાવતા લોકો દ્વારા મહિલાઓને `ગેરમાર્ગે' દોરવામાં આવી રહી છે.
કેરળના રાજકારણમાં નજીવી ભૂમિકા ભજવનારા ભાજપે સુપ્રીમ કોર્ટના આદેશની ફેરવિચારણા માગવાની સામ્યવાદી સરકારના નિર્ણયની આકરી ટીકા કરી છે, જ્યારે બીજી તરફ સુપ્રીમ કોર્ટના આદેશને અગાઉ આવકારનારા કૉંગ્રેસ પક્ષે વલણ બદલ્યું છે અને પોતે અય્યપ્પા ભક્તોની સાથે હોવાનું જણાવ્યું છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer