રેલવે પરિસરમાં ફેરિયાઓને બેસવા નહીં દેવાય

રેલવે પરિસરમાં ફેરિયાઓને બેસવા નહીં  દેવાય
મુંબઈ, તા. 16 : રેલવે સ્ટેશનની બહાર અને આજુબાજુનાં પરિસરમાં ફેરિયાઓને પોતાનો વ્યવસાય કરવાની પરવાનગી આપવા 26 ફેરિયાઓએ કરેલી અરજી મુંબઈ હાઈ કોર્ટે ફગાવી દીધી છે.
એલ્ફિન્સ્ટન રોડ સ્ટેશન (જેનું નામકરણ હવે `પ્રભાદેવી' થઈ ગયું છે) પર ગયા વર્ષે ચોમાસા દરમિયાન પુલ પર બનેલી ધક્કામુક્કીની ઘટનામાં 23 જણનાં મોત બાદ પુલ પર અને તેની આસપાસનાં પરિસરમાં ફેરિયાઓને બેસવા પર પાલિકા તેમ જ રેલવે સત્તાવાળાઓએ પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધ સામે ફેરિયાઓ કોર્ટમાં ગયા હતા. જોકે, બૉમ્બે હાઈ કોર્ટે પણ ધક્કામુક્કીનું એક મુખ્ય કારણ ફેરિયાઓનું અતિક્રમણ હોવાનું ગણાવી 26 ફેરિયાઓએ કરેલી અરજી ફગાવી દીધી હતી.
આમ પાલિકા અને રેલવે સત્તાવાળાઓએ ગયા વર્ષની કરુણાંતિકામાંથી ધડો લઈને તેમ જ હાઈ કોર્ટના આદેશ મુજબ સ્ટેશન પરિસરમાં અતિક્રમણ કરનારા ફેરિયાઓ વિરુદ્ધ કઠોર કારવાઈ શરૂ કરી છે. હાઈ કોર્ટે સ્ટેશનથી 150 મીટરની અંદર ફેરિયાઓને ધંધો કરવા સામે મનાઈ ફરમાવી છે.
હાઈ કોર્ટે ફેરિયાઓને લગતા બે અલગ અલગ ચુકાદા આપ્યા છે જેમાં એકમાં ફેરિયાઓને રસ્તા પર ખાદ્યપદાર્થ રાંધવાની મનાઈ કરવામાં આવી છે, જ્યારે બીજામાં રેલવે સ્ટેશનોનાં પરિસર કે આસપાસના 150 મીટરના પરિઘમાં  વ્યવસાય કરવાની મનાઈ ફરમાવી છે.
ફેરિયાઓ વતી સિનિયર ઍડવૉકૅટ બી. એ. દેસાઈએ એવી દલીલ કરી હતી કે હાઈ કોર્ટની એક બેન્ચે 6 જુલાઈ, 2018ના રોજ ફેરિયાઓ વિરુદ્ધ પગલાં લેવાં પાલિકાને `સ્ટે' આપ્યો હતો આમ છતાં તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જ્યારે કોર્ટનું કહેવું હતું કે એલ્ફિન્સ્ટન રોડ પર બનેલી દુર્ઘટના પછી હાઈ કોર્ટે જે જજમેન્ટ આપ્યું હતું જેમાં સ્ટેશનના પરિસર અને આજુબાજુ વ્યવસાય કરવા ફેરિયાઓને મનાઈ કરવામાં આવી હતી તેને લઈ પાલિકાની કાર્યવાહી યોગ્ય જ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer