એશિયન ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ભારતનો ઓમાન સામે 11-0થી જોરદાર વિજય

એશિયન ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ભારતનો ઓમાન સામે 11-0થી જોરદાર વિજય
આજે પાકિસ્તાન સામે ટક્કર 
મસ્કત, તા.19: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય પુરુષ હોકીએ ધમાકેદાર પ્રારંભ કરીને પહેલા મુકાબલામાં ઓમાનની ટીમને 11-0 ગોલથી સજ્જડ હાર આપી છે. દુનિયાની પાંચમા નંબરની ટીમ ભારત સામે ઓમાનની ટીમના ખેલાડીઓ મેચમાં સતત સંઘર્ષમાં જોવા મળ્યા હતા. આ મેચમાં ભારત તરફથી દિલપ્રિત સિંહે શાનદાર હેટ્રિક કરીને 41મી, 55મી અને 57મી મિનિટે ગોલ કર્યા હતા. જ્યારે લલિત ઉપાધ્યાયે 17મી, હરમનપ્રિતે 21મી, નીલકાંત શર્માએ 22મી, મનદિપ સિંઘે 29મી, ગુરજંતસિંઘે 37મી, આકાશદિપે 49મી, વરૂણકુમારે 49મી અને ચિંગ્લેનસાનાસિંહે 53મી મિનિટે ગોલ કર્યા હતા.
એશિયન ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમ વર્તમાન વિજેતા છે. હવે પછીના મેચમાં ભારતની ટક્કર આવતીકાલ તા. 20મીએ પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે થશે. જ્યારે 21મીએ મલેશિયા સામે, 24મીએ દ. કોરિયા સામે ભારત રમશે. એશિયન ચેમ્પિયનશીપ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન બે-બે વખત ચેમ્પિયન રહ્યા છે. ભારતે 2011માં અને 2016માં ટ્રોફી જીતી હતી. જ્યારે પાકિસ્તાને 2012માં અને 2013માં ટ્રોફી કબજે કરી હતી. ભારત-પાક. વચ્ચેનો મેચ શનિવારે રાત્રે 10-40થી શરૂ થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer