સોનું સાંકડી વધઘટે મજબૂત

સોનું સાંકડી વધઘટે મજબૂત
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 19 : વૈશ્વિક સોનામાં ફરી ઘટાડો હતો. જોકે વધઘટ નિશ્ચિત રેન્જમાં થઇ રહી છે. ઇક્વિટી માર્કેટમાં ફરીથી કડાકો સર્જાવાથી સોનામાં સલામત રોકાણની માગ નીકળી છે. ન્યૂ યૉર્કમાં સોનાનો ભાવ 1228 ડૉલરની સપાટીએ રનિંગ હતું. ચાલુ સપ્તાહે અઢી મહિનાની 1233 ડૉલરની ટોચ ઉપર સોનું ગયું હતું. જોકે એ પછી 1218થી નીચે ગયું નથી.
ફેડરલ રિઝર્વ વ્યાજદર આવનારા મહિનામાં વધારવાની નથી. બુધવારે જાહેર થયેલી મિનિટસમાં પણ એ અંગેનો નિર્દેશ આપવામાં આવ્યો છે એટલે ડૉલરે તેજીનું મોમેન્ટમ ગુમાવી દીધું છે. વિશ્લેષકો કહે છે, હવે ફેડ વ્યાજદર વધારે તો લોકો એવું માનશે કે અર્થતંત્રમાં ઓવરહિટિંગની સ્થિતિ છે. જે સોના માટે હકારાત્મક બની રહેશે.
ઇટલીની સરકાર અને યુરોપ વચ્ચે તકરાર ચાલુ છે તેની અસરથી યુરોપીયન સ્ટૉક માર્કેટમાં ઘટાડો હતો. ભારત સહિત એશિયાઇ માર્કેટો પણ તૂટી હતી. સોનું 1233 ડૉલરની સપાટી વટાવવામાં સફળ થાય તો 1240 સુધી વધી શકે છે. ફંડો હવે તેજીમાં હોવાના સંકેત મળે છે. એસપીડીઆર ગોલ્ડ ફંડની અનામતોમાં પાછલાં બે અઠવાડિયાંમાં અઢી ટકાનો વધારો થયો છે. રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા. 50ના મામૂલી સુધારામાં રૂા. 32,300 હતું. મુંબઇમાં રૂા. 75ના ઘટાડા સાથે રૂા. 31,820 રહ્યું હતું. ચાંદી ન્યૂ યૉર્કમાં 14.61 ડૉલર હતી. સ્થાનિક એક કિલોએ રૂા. 150ના ઘટાડામાં રૂા. 38,850 અને મુંબઇમાં રૂા. 230 ઘટી જતા રૂા. 38,245 હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer