દેશાવરો પાછળ સેન્સેક્ષમાં 464 પૉઈન્ટનું ગાબડું

દેશાવરો પાછળ સેન્સેક્ષમાં 464 પૉઈન્ટનું ગાબડું
રિલાયન્સ, ઈન્ફોસીસ સહિતના બ્લૂ ચીપ શૅરોમાં નોંધપાત્ર વેચવાલી
 
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : વૈશ્વિક અને એશિયન બજારોના નબળા સંકેતોથી સ્થાનિક બજારમાં પુન: નરમાઈ આવી હતી. એનએસઈ ખાતે નિફટી અગાઉના બંધ 10453થી નીચે 10339 ખૂલીને 10380 થઈને નીચે ખાબકતાં 10249 સુધી નીચે ઉતર્યો હતો અને અંતે 149 પૉઈન્ટ ઘટીને 10303.55 બંધ રહ્યો હતો. ચીનની અર્થવ્યવસ્થાના તાજેતરના સૌથી નબળા આંકડાની અસરથી પણ સ્થાનિક બજારમાં વેચવાલીનું પૂર આવ્યું હતું. બીએસઈ ખાતે સેન્સેક્ષ 464 પૉઈન્ટના ઘટાડા સાથે 34315 બંધ આવ્યો હતો. ઈન્ડિયા વીઆઈએક્સ ઈન્ડેક્ષ 11 ટકા ઊંચો આવતા વધઘટ વધુ તીવ્ર બની હતી.
આજે શરૂઆતમાં જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટી અગ્રણી ટીસીએસ, ઈન્ફોસીસ, એચસીએલ ટેક્નૉલૉજી, મુખ્ય વાહન શૅરો ઉપરાંત એનબીએફસી ક્ષેત્રની કંપનીઓમાં જંગી ઘટાડો નોંધાયો હતો. નાણાપ્રવાહિતાની સમસ્યા ઉપરાંત ઈરાન પરના પ્રતિબંધને લીધે ક્રૂડતેલની આયાત મોંઘી બનવાના આસારથી રિલાયન્સ અને ક્રૂડતેલ માર્કેટિંગ કંપનીઓના ભાવ પણ સતત દબાણ આવ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આજે 7 ટકા ઘટીને એક તબક્કે 1073 કવોટ થયો હતો. જ્યારે આરબીઆઈએ યસ બૅન્કના એમડી રાણા કપૂરનો કાર્યકાળ લંબાવાની અરજ ફગાવી દેવાથી શૅર ટ્રેડિંગ દરમિયાન 8 ટકા ઘટયો હતો. આજે શરૂઆતમાં નિફટીના 30 શૅર સુધારે હતા, પરંતુ વેચવાલીના સખત દબાણથી ટ્રેડિંગ અંતે 15 શૅરમાં સુધારો અને 34 શૅરના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.
આજના ઘટાડાની આગેવાની લેતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂા. 50 ઘટીને રૂા. 1101 અને ઈન્ફોસીસ રૂા. 22 ઘટાડે રૂા. 683 અને મારુતિ સુઝુકી રૂા. 129 ઘટીને રૂા. 6756 બંધ રહ્યા હતા. અન્ય વાહન શૅરો હીરો હોન્ડા રૂા. 95 ઘટાડે રૂા. 2712, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂા. 18 ઘટાડે રૂા. 741, આઈશર મોટર્સ રૂા. 353, જ્યારે બજાજ અૉટો રૂા. 37 ઘટયો હતો. બૅન્કિંગ શૅરોમાં ધૂમ વેચવાલીથી એક્સિસ બૅન્ક રૂા. 13, ઈન્ડસઈન્ડ રૂા. 27.30, યસ બૅન્ક રૂા. 14 ઘટયા હતા. એનબીએફસી ક્ષેત્રે રહેઠાણ ધિરાણ કંપનીઓમાં અગ્રણી ઈન્ડિયાબુલ્સ સતત ચોથા દિવસે રૂા. 135ના જંગી કડાકા સાથે રૂા. 654 બંધ હતો. અઠવાડિયામાં આ શૅરનો ભાવ રૂા. 300થી વધુ તૂટયો છે. ડીએચએલએફ અને પીએનબી હાઉસિંગના ભાવ 10 ટકાથી વધુ દબાણમાં હતા.
ઔદ્યોગિક અને કોર ક્ષેત્રના અગ્રણી શૅરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ પરિણામ અગાઉ રૂા. 113 ઘટાડે રૂા. 3609 બંધ હતો. ગ્રાસીમ રૂા. 7 અને દવા ક્ષેત્રે ડૉ. રેડ્ડીસ લેબોરેટરીઝ રૂા. 13 ઘટાડે હતો. એશિયન પેઈન્ટ અને કોલ ઈન્ડિયા અનુક્રમે રૂા. 24 અને રૂા. 4.75 ઘટયા હતા. સિપ્લા રૂા. 7 અને ઝી એન્ટરટેઈન રૂા. 9 ઘટયો હતો.
સામે પક્ષે સુધારો દર્શાવતા શૅરોમાં બજાજ ફીનસર્વ રૂા. 39, હિન્દુસ્તાન લીવર રૂા. 16, આઈટીસી રૂા. 3, કોટક બૅન્ક રૂા. 23, સનફાર્મા અંત ભાગે રૂા. 16 વધીને બંધ હતો. અગાઉ સટ્ટાકીય દબાણ પછી આજે એચપીસીએલ રૂા. 8.60 સુધર્યો હતો. આજે હિન્દુસ્તાન ઝીંકમાં 5 ટકાના સટ્ટાકીય લેણથી સુધારો થયો હતો.
મુખ્ય ઈન્ડેક્ષમાં રિયલ્ટી ઈન્ડેક્ષ 10 ટકાથી વધુ ઘટયો હતો. મેટલ ઈન્ડેક્ષ સકારાત્મક અને ટેક્નૉલૉજી ઈન્ડેક્ષ ઘટાડે બંધ હતા. એનલિસ્ટોના અભિપ્રાય મુજબ છેલ્લા ચાર સત્રોની તીવ્ર વધઘટને લીધે હવે નિફટીમાં ઉપર ટકવાની ક્ષમતા ક્ષીણ થઈ રહી છે. ટૂંકમાં બજારમાં મંદીનાં વાદળ ઘેરાઈ ચૂકયા છે. નીચા મથાળેથી ઉછાળામાં અત્યારે નવું લેણ કરવું હિતાવહ નથી, એમ બજારના દલાલ સૂત્રોએ જણાવ્યું છે. નિફટીમાં હવે 10270 અને તેની નીચે 10200 પછી તેની નીચેના બંધથી મંદીનું પ્રમાણ વધી શકે છે.
વિદેશી-એશિયન બજારો
અમેરિકાના વ્યાજદર વધારા સાથે ઈટાલીના ફ્રી સ્પેન્ડિંગ અંદાજપત્રની અસરથી એશિયા પેસિફિક શૅરનો એમએસસીઆઈ બ્રોડેસ્ટ ઈન્ડેક્ષ 0.2 ટકા, જ્યારે જપાન ખાતે નિક્કી 1.1 ટકા નીચે બંધ હતો. અૉસ્ટ્રેલિયામાં શૅરો 0.3 ટકા ઘટયા હતા.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer