બારામુલામાં એક જ દિવસમાં પાંચ આતંકી ઠાર

બોનિયારમાં એલઓસી પાસે ત્રણ અને ક્રલહારમાં બે આતંકીનો ખાતમો : એકે-47 ઉપરાંત ચીની હથિયારો જપ્ત
 
શ્રીનગર, તા. 19 :  જમ્મુ કાશ્મીરના બારામુલા જીલ્લામાં શુક્રવારે સવારે એક એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ તમામ આતંકવાદી એલઓસી પાસે માર્યા ગયા હતા. તેની પાસેથી સેનાના જવાનોએ ચાર એકે-47 રાયફલ અને ચાર ખાદ્યપદાર્થોના બેગ જપ્ત કર્યા હતા. આ અથડામણ બાદ બારામુલામાં જ વધુ બે આતંકવાદી ઠાર થયા હતા. જેની પાસેથી એકે-201 રાયફલ અને ચીની હથિયારો મળી આવ્યા હતા. 
આ અગાઉ સેનાને બારામુલાના બોનિયારમાં આતંકવાદીઓની ઘૂસણખોરીની બાતમી મળી હતી. જેને પગલે સેનાના જવાનોએ બોનિયારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આતંકીઓ સાથે અથડામણ શરૂ થઈ હતી. એન્કાઉન્ટરમાં જવાનોએ ત્રણ આતંકવાદીઓનો ખાત્મો કર્યો હતો તેમજ આસપાસના વિસ્તારમાં વધુ આતંકી છુપાયા હોવાની આશંકાને પગલે તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ બારમુલાના જ ક્રલહારમાં પણ આતંકીઓ સાથે અથડામણ શરૂ થઈ હતી. જેમાં બે આતંકવાદીનો ખાત્મો કરવામાં આવ્યો હતો. આ મામલે જાણકારી આપતા જમ્મુ કાશ્મીરના ડીજીપીએ કહ્યું હતું કે, પોલીસ નાકાબંધી કરીને તપાસ ચલાવી રહી હતી. આ દરમિયાન બે સંદિગ્ધ પાસેથી આઈડી કાર્ડ માગવામાં આવતા ગોળીબાર શરૂ કર્યો હતો. જેના જવાબમાં બન્નેને ઠાર કરવામાં આવ્યા હતા. 
આ અગાઉ સેનાના એક અધિકારીએ કહ્યું હતું કે, ઘાટીમાં વર્તમાન સમયમાં 300 જેટલા આતંકી સક્રિય છે અને અન્ય 250 આતંકી ભારતમાં ઘુસણખોરી કરવા માટે તૈયાર છે. આતંકવાદી કાશ્મીરમાં ઘુસીને મોટો હુમલો કરવાની તાકમાં હોવાની ગુપ્ત માહિતીના કારણે સેના એલર્ટ ઉપર છે અને આતંકી મનસુબા નિષ્ફળ કરવા માટે તૈયાર બની છે. ગુરુવારે રાત્રીના પણ પુલવામાના લસીપોરા વિસ્તારમાં સેનાના જવાનો પેટ્રોંિલંગ કરી રહ્યા હતા ત્યારે એક બ્રિજ ક્રોસ કરવા સમયે આતંકીઓએ આઈઈડી વિસ્ફોટ કર્યો હતો અને ત્યારબાદ અંધાધુંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ હુમલામાં સેનાના જવાનોને ઈજા પહોંચી હતી. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer