સુરતમાં કરોડપતિ પરિવારનાં સંતાનો દીક્ષા લેશે

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 19 : શહેરના કરોડપતિ પરિવારનાં સંતાનોએ લકઝરીયસ જીવનધોરણ ત્યજી સાધુ જીવન વિતાવવાનો સંકલ્પ કર્યો છે. આર્થિક રીતે સંપન્ન પરિવારનાં દીકરો અને દીકરી આગામી ડિસેમ્બર માસમાં દીક્ષા ગ્રહણ કરીને સંયમી જીવન અપનાવશે. 
કાપડના વેપારીના દીકરા અને દીકરી સંયમી જીવન અપનાવી વૈભવી જીવનનો ત્યાગ કરશે. પિતાએ પોતાનાં સંતાનો દીક્ષા ગ્રહણ કરે નહિ તે માટે તેઓને મહામૂલી વૈભવી કાર સહિત તેઓને જે પણ જોઈએ તે ચીજવસ્તુઓની ઓફર કરી હતી. આમ છતાં બન્ને સંતાનોએ લોભ કે મોહમાં આવ્યા વિના પોતાના નિર્ણય પર અડગ રહીને સાધુ જીવન જીવવાનો સંકલ્પ કર્યો છે. વોરા પરિવારનાં આયુષી અને યશ બન્ને આગામી 9મી ડિસેમ્બરે દીક્ષા ગ્રહણ કરશે. દીક્ષા ગ્રહણ કરતાં પૂર્વે બન્નેએ આકરી તપસ્યાઓ કરી છે. બન્ને ભાઈ-બહેને તપસ્યાનાં ભાગરૂપે સંતો સાથે વિહાર પણ કર્યો છે. 
આયુષી ભણવામાં તેજ છે. તેને ધોરણ 12ની પરીક્ષા 75 ટકા માર્કસ સાથે પાસ કરી છે. તેણીએ આચાર્ય યશોવર્મસૂરીજી મહારાજના સાંનિધ્યમાં ચાર વર્ષ મહારાષ્ટ્ર અને ગુજરાતનાં કેટલાંક સ્થળો પર વિહાર કર્યો છે. કપરી તપસ્યા બાદ આયુષીને આચાર્યશ્રીએ દીક્ષા ગ્રહણ કરવા માટે અનુમતિ અપી છે. 
કાપડના વેપારી ભરતભાઈ વોરાએ પુત્ર યશને સાધુજીવન નહિ અપનાવવા માટે વૈભવી કાર લઈ આપવા પણ ઓફર કરી હતી. યશને પિતાએ ઓડી, જેગુઆર કે મર્સિડીઝ જેવી કરોડો રૂપિયાની કાર લઈ આપવાની ઓફર કરી છતાં યશ તેના નિર્ણય પર અડગ છે. બન્ને બાળકોની પહાડ જેવી અડગતા જોઈને પરિવારના લોકોએ બન્નેને દીક્ષા ગ્રહણ કરવા માટે સંમતિ આપી છે. આગામી 9મી ડિસેમ્બરે બન્નેનો દીક્ષા વિધિ યોજાશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer