ઇડીએ એનડીટીવીને નવેસરથી ફેમાના નિયમભંગની નોટિસ ફટકારી

નવી દિલ્હી, તા.19 : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ મીડિયા કંપની એનડીટીવી સામેના વિદેશી હૂંડિયામણના નિયમોના ઉલ્લંઘનના કેસમાં બુધવારે નવેસરથી કારણદર્શક નોટિસ ફટકારી છે. કંપનીએ ત્રણ હજાર કરોડ રૂપિયાની રકમમાં ફોરેન એક્સચેંજ મેનેજમેન્ટ ઍક્ટ (ફેમા)ના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું નોટિસમાં જણાવાયું હતું. 
ગુરુવારે ઇડીએ જારી કરેલી અખબારી યાદીમાં જણાવ્યું હતું કે એનડીટીવીએ વિદેશમાં 582 કરોડ રૂપિયાના રોકાણમાં તેમ જ અન્ય 2114 કરોડ રૂપિયાની રકમની લેવડ-દેવડ સંબંધી જરૂરી માહિતી સમયસર રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઇ) સમક્ષ ફાઇલ નથી કરી. 
એનડીટીવી તરફથી ફેમાના નિયમોના ઉલ્લંઘન સંબંધી આક્ષેપોને નકારી કાઢતા જણાવાયું હતું કે અમારી ચેનલ સ્વતંત્ર અને નિષ્પક્ષ પત્રકારિતામાં વિશ્વાસ ધરાવે છે અને વિશ્વસનીય સમાચારો લોકો સુધી પહોંચાડી રહી છે, તેથી અમને નિશાન બનાવાઇ રહ્યા છે, અમારી ચેનલ સામે કાર્યવાહી કરીને અન્ય ચેનલોને પણ એવા સંકેત આપવામાં આવી રહ્યા છે કે તેઓ જો આવી રીતે જ સાચા અને નિષ્પક્ષ સમાચારો પ્રસારિત કરશે તો તેમના સિગ્નલો અટકાવી શકે છે તેમ જ કંપનીના ટોચના હોદેદારોને ત્યાં દરોડા પાડીને પરેશાન કરી શકાય છે.
અગાઉ 19 નવેમ્બર, 2015ના એનડીટીવીને આવી જ નોટિસ ફટકારવામાં આવી હતી ત્યારે કંપનીએ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જને આ સંબંધી જાણ કરીને નોટિસને કાનૂની રીતે ટકી શકે એવી ન હોવાનું જણાવ્યું હતું. તે વખતે ઇડીએ કંપનીના ત્રણ એક્ઝિક્યુટિવ કો-ચેરપર્સન ડૉ. પ્રણવ રૉય, રાધિકા રૉય અને કેવીએલ નારાયણ રાવ તેમ જ એનડીટીવી સ્ટૂડિયોઝ લિમિટેડને ફેમાના નિયમોના ભંગ બદલ કારણ દર્શક નોટિસો ફટકારી હતી.
ઇડીના જણાવ્યા પ્રમાણે એનડીટીવીએ વર્ષ 2000ની મધ્યમાં નેધરલેન્ડ્સમાં એનડીટીવી બીવી નામની કંપની ખોલી હતી અને બાદમાં મોરેશિયસ અને બ્રિટનમાં પણ આ કંપનીની સબ-કંપનીઓ શરૂ કરી હતી. બ્રિટનમાં કંપનીનું નામ એનડીટીવી નેટવર્ક્સ પીએલસી જ્યારે મોરેશિયસમાં એનડીટીવી મોરેશિયસ મીડિયા અને એનડીટીવી વર્લ્ડવાઇડ મોરેશિયસ લિમિટેડ એવા નામ રાખ્યા હતા. આ ઉપરાંત 1378 કરોડ રૂપિયાની લેવડ-દેવડ સંબંધી માહિતી આરબીઆઇ સમક્ષ આપવામાં ગલ્લાં-તલ્લાં કરાયા હતા તેમ જ કંપનીના શૅર્સની ફાળવણી પણ મોડેથી કરાઇ હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer