યુપીએ સરકારે 25 લાખ અને અમે 1.25 કરોડ ઘર બાંધ્યાં

અગાઉની કૉંગ્રેસની સરકારો ગરીબી નિર્મૂલન માટે ગંભીર નહોતી : મોદી
 
શિરડી, તા. 19 (પીટીઆઈ) : કૉંગ્રેસની આગેવાની હેઠળની અગાઉની સરકારો ગરીબી નિર્મૂલન વિશે ગંભીર નહોતી અને તેઓ માત્ર ચોક્કસ પરિવારની નામના વધે એ માટે કામ કરતા હતા, એમ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં અહમદનગર જિલ્લામાં શિરડી ખાતે પ્રસિદ્ધ સાંઈબાબા મંદિરમાં દર્શન કર્યા પછી સંબોધન કરતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે સર્વેનો સમાવેશ કરે એવા વિકાસ માટે વિઘટનવાદી પરિબળોનો પરાભવ કરવાની જરૂર છે. અગાઉની યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સની સરકારોએ આર્થિક રીતે નબળા વર્ગો માટે 25 લાખ ઘર બાંધ્યાં હતાં. જ્યારે વર્તમાન એન.ડી.એ. સરકારે ચાર વર્ષમાં 1.25 કરોડ ઘર બાંધ્યાં છે. ભારતને સ્વાતંત્ર્ય પ્રાપ્તિને 75 વર્ષ પૂર્ણ થાય ત્યારે વર્ષ 2022 સુધીમાં બધા આશ્રયવિહોણા લોકોને ઘર મળે એવા અમારી સરકારના લક્ષ્યનો હું પુનરુચ્ચાર કરું છું. છેલ્લાં ચાર વર્ષમાં અમારી સરકારે ઝૂંપડામાં રહેનારાઓને પાકા ઘર મળે એ માટે પગલાં ભર્યાં છે. ભૂતકાળમાં પણ આ દિશામાં ગંભીર પ્રયાસો થયા હતા, પણ કમનસીબે તેઓનો પ્રયત્ન ચોક્કસ પરિવારના નામનો પ્રચાર કરવાનો હતો. તેમનો હેતુ ગરીબોને ઘરો આપવાને બદલે મત બૅન્ક ઊભી કરવાનો હતો. અગાઉની સરકારોએ ઘર બાંધવા માટે 18 માસ જેટલો સમય લગાડયો હતો. જ્યારે અમે ફક્ત 12 માસ કરતાં ઓછા સમયમાં ઘર બાંધ્યાં હતાં. જો યુપીએ સરકાર સત્તા ઉપર હોત તો 1.25 કરોડ ઘરો બાંધવા 20 વર્ષ જેટલો સમય લાગ્યો હોત. અમે ઘરોનું કદ વધારવા ઉપર ઘરદીઠ સહાયની રકમ 70,000 રૂપિયાથી વધારીને 1.20 લાખ રૂપિયા કરી છે. લાભાર્થીઓની પસંદગી પારદર્શક રીતે કરવામાં આવી હતી અને સબસિડીની રકમ લાભાર્થીઓનાં બૅન્ક ખાતાંમાં જમા કરવામાં આવી હતી. લોકો અને સ્રોતો એક જ છે, પણ સરકારનો હેતુ ચોખ્ખો અને સ્પષ્ટ છે, તેથી પરિણામ પણ ઝડપી હોય છે.
કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત હેલ્થકેર સ્કીમની શરૂઆત થઈ પછી અત્યાર સુધીમાં એક લાખ લોકોએ તેનો લાભ લીધો છે. તેમાં પ્રત્યેક લાભાર્થીઓએ સરેરાશ 20,000 રૂપિયાનો દાવો નોંધાવ્યો છે. `આયુષ્યમાન ભારત' હેઠળ 50 કરોડ ગરીબ લોકોને ગંભીર બીમારી માટે પાંચ લાખ રૂપિયાની તબીબી સારવાર મળશે. અમારી સરકાર શિરડી, અજંટા અને ઇલોરા જેવાં સ્થળોને મુલાકાતીઓ માટે વિકસાવી રહી છે, એમ મોદીએ ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે મરાઠીમાં વાતચીત કરતાં મોદીએ જણાવ્યું હતું કે તેઓના ચહેરા જોઈને મને ખૂબ જ આનંદ મળે છે અને વધુ કામ કરવાનો ઉત્સાહ મળે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના એ ગરીબી નિર્મૂલનનો પ્રયાસ છે. આ યોજનાના લાભાર્થીઓએ શિક્ષણ દ્વારા પોતાનું અને આગામી પેઢીનું સશક્તીકરણ કરવું જોઈએ. પ્રધાનમંત્રી આવાસ યોજનાના 40,000 લાભાર્થીઓનો `ઇ-ગૃહપ્રવેશ' કરાવવામાં આવ્યો છે, એમ વડા પ્રધાને ઉમેર્યું હતું.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે વર્ષ 2015ની જેમ ચાલુ વર્ષે પણ કેન્દ્ર સરકાર મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાહત કામગીરીમાં મદદ આપશે. મહારાષ્ટ્રમાં સરેરાશ વરસાદનો માત્ર 77 ટકા વરસાદ પડયો છે, એમ મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું.
આ કાર્યક્રમ પહેલાં વડા પ્રધાને સાંઈબાબાના મંદિરમાં દર્શન કર્યાં હતાં. આ સાથે સાંઈબાબાની સમાધિના શતાબ્દી વર્ષની ઉજવણી સમાપ્ત થઈ છે. વડા પ્રધાને આ પ્રસંગે સાંઈબાબા મહાસમાધિ શતાબ્દી વર્ષ નિમિત્તે ચાંદીના સિક્કાનું લોકાર્પણ કર્યું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer