પીયૂષ ગોયલે અમેરિકાની મુલાકાત ટૂંકાવી

પીયૂષ ગોયલે અમેરિકાની મુલાકાત ટૂંકાવી
નવી દિલ્હી, તા. 19 : અમૃતસરમાં ભયાનક ટ્રેન-ઍક્સિડન્ટના પગલે અમેરિકાની મુલાકાતે ગયેલા રેલવેપ્રધાન પીયૂષ ગોયલ તેમની મુલાકાત ટૂંકાવીને પાછા સ્વદેશ આવવા નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
અમૃતસરના નેતા અને પંજાબના પ્રધાન ભૂતપૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુનાં પત્ની નવજોતકૌર આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હતાં. તેઓ આ અકસ્માત થતાં જ ત્યાંથી ચાલ્યાં ગયાં હોવાનો આક્ષેપ વિપક્ષોએ કર્યો હતો.
નવજોતકૌરે એ આરોપને નકારતાં કહ્યું હતું કે `હું હાજરી આપીને નીકળી ગયા બાદ અકસ્માત થયો હતો. અત્યારે પણ હું ઈજાગ્રસ્તોને દાખલ કરાયા છે એ હૉસ્પિટલમાં હાજર છું. આવા આક્ષેપો યોગ્ય નથી.'
નવજોતસિંહ સિદ્ધુએ પત્રકારો સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે `આ એક કમનસીબ અકસ્માત છે. આવા દુખદ પ્રસંગના સમયે રાજકારણ રમવું યોગ્ય નથી. તમને લાગે છે કે સિદ્ધુ કે તેની પત્ની આવા સમયે ત્યાંથી દૂર ભાગી જાય? હું બહારગામ છું અને મધરાતે અમૃતસર પહોંચવાનો છું.'
કેન્દ્રનાં પ્રધાન અને અકાલી દળનાં નેતા હરસિમરતકૌર બાદલે કહ્યું હતું કે આયોજકોને કાર્યક્રમની મંજૂરી કોણે આપી એની તપાસ થવી જોઈએ. આ કાર્યક્રમના મુખ્ય અતિથિઓ નાસી ગયા અને વીઆઇપીઓ નીકળી ગયા એવું સાંભળવા મળ્યું એ દુ:ખની વાત છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટ્રેન-કરુણાંતિકા વિશે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરવાની સાથે મૃતકોના પરિવારજનોને તાત્કાલિક બે લાખ રૂપિયાની સહાય તેમ જ ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે રાજ્યમાં એક દિવસનો શોક જાહેર કરીને આ અકસ્માતની તપાસ કરવાના આદેશ આપ્યા છે.
મૃતકો અને ઈજાગ્રસ્તોના પરિવારજનો પ્રત્યે દિલસોજી પાઠવતાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે સરકાર પીડિતોની મદદ માટે યુદ્ધના ધોરણે રાહત અને બચાવકાર્ય કરી રહી છે. આવતી કાલે શનિવારે પંજાબમાં એક દિવસનો શોક જાહેર કરાયાનું અમરિન્દર સિંહે કહ્યું હતું.
અકસ્માતના કારણે રાહત અને બચાવકાર્ય માટે રેલવેએ તુરંત જ જલંધર-અમૃતસર રૂટનો બન્ને તરફનો રેલવ્યવહાર સસ્પેન્ડ કર્યો હતો. આ રૂટની લાંબા અંતરની કેટલીક ટ્રેનોને અન્ય રૂટ તરફ વાળવામાં આવી હતી.
અકસ્માત બાદ કેટલાક લોકો ઘટનાસ્થળે પીડિતોની મદદ કરવાને બદલે મોબાઈલથી ફોટા અને વીડિયો કલીપ બનાવી રહ્યા હતા. આને શરમજનક હરકત જ કહેવી જોઈએ, એવી લોકોની લાગણી છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer