ડીજે અને ડૉલ્બી પરનો બૅન કાયમ

ડીજે અને ડૉલ્બી પરનો બૅન કાયમ
મુંબઈ, તા. 19 : સાર્વજનિક સ્થળોએ ડીજે વગાડવા પર બંધી તાત્કાલિક ન હટાવવાનો આદેશ મુંબઈ ઉચ્ચ ન્યાયાલયે શુક્રવારે આપ્યો હતો. ગણેશોત્સવ અને નવરાત્રોસત્વ પત્યો હોવાથી હાઈ કોર્ટે આ બંધી તાત્કાલિક હટાવવી જોઈએ તેવી માગણી અરજદાર તરફથી કરવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકારે જોરદાર વિરોધ કરતા ન્યાયમૂર્તિ  શંતનુ કેમકર અને ન્યાયમૂર્તિ  કે કે સોનાવણેની બેન્ચે આ બાબતે બંધી હટાવવાની ના પાડી હતી. 
આ પ્રકરણે અરજદાર `પ્રોફેશનલ અૉડિયો અને લાઈટિંગ અસોસિયેશન' (પાલા) સંઘઠને કહ્યું હતું કે, ડીજે સિસ્ટમ ધ્વનિ પ્રદૂષણના નિયમોનુ ઉલ્લંઘન થાય છે તેવો રાજ્ય સરકારનો દાવો ખોટો છે. તે માટે ડીજે સિસ્ટમના ઉપકરણ તૈયાર કરતી વિદેશી કંપનીઓના અહેવાલનો દાખલો આપવામાં આવ્યો હતો.  ધ્વનિપ્રદૂષણની મર્યાદામાં રહીને ડીજે અને ડૉલ્બી સિસ્ટમના વપરાશ પર પ્રતિબંધ શા માટે? તેવા સવાલ સાથે પાલા સંઘઠને હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, ત્યારે રાજ્ય સરકારનું કહેવું છે કે, ધ્વનિ પ્રદૂષણની મર્યાદા ઓળંગતા ડીજેને સાર્વજનિક સ્થળોએ પરવાનગી આપવી શક્ય નથી. કારણકે ડીજેની અલ્પતમ મર્યાદા ધ્વનિ પ્રદૂષણના લઘુતમ મર્યાદા કરતાં વધુ છે તેવા દાવા સાથે હાઈ કોર્ટમાં જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. 
ડીજે સિસ્ટમ શરૂ કરતા જ ધ્વનિ પ્રદૂષણની મર્યાદા ઓળંગાતી હોવાથી પરવાનગીનો પ્રશ્ન ઉદ્ભવતો જ નથી. વિસર્જનની શોભાયાત્રામાં પોલીસ કાર્યવાહી કરી શકે પરંતુ તેમને રોકી ન શકે, તેમ કહીને રાજ્ય સરકારે ગયા વર્ષે ધ્વનિ પ્રદૂષણના સંદર્ભમાં દાખલ થયેલા કેસમાં 75 ટકા કેસ ડીજેના જ હતા તેવી માહિતી હાઈ કોર્ટે આપી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer