હજ હાઉસ પરના સૌથી ઊંચા ત્રિરંગાની દર પંદર દિવસે સફાઈ કરવામાં આવશે

હજ હાઉસ પરના સૌથી ઊંચા ત્રિરંગાની દર પંદર દિવસે સફાઈ કરવામાં આવશે
મુંબઈ, તા. 19 : ભારતની કોઈ પણ બિલ્ડિંગમાં સૌથી વધુ ઊંચાઈએ ફરકાવવામાં આવેલા અને ગત બુધવારે જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે હજ હાઉસમાં ટેરેસથી 20 મીટર ઊંચે લહેરાવાયેલા ત્રિરંગાની જાળવણી કરવાનું કામ સૌથી પડકારજનક બની રહેશે. ક્રાફર્ડ માર્કેટ નજીક આવેલા હજ હાઉસની ટેરેસ પર મૂકવામાં આવેલો આ ત્રિરંગો 20 ફૂટ x 30 ફૂટનીનું વિશાળ કદ ધરાવે છે અને ભારેખમ છે. ધ્વજનો પોલ (થાંભલો) 12થી 13 ફૂટ ઊંચા કોલમ પર બાંધવામાં આવ્યો હોઈ આપણો આ રાષ્ટ્રધ્વજ ભોંયતળિયેથી 350 ફૂટની ઊંચાઈ પર લહેરાય છે, એમ જણાવતાં હજ કમિટીના સીઈઓ મકસૂદ ખાને ઉમેર્યું હતું કે ત્રિરંગાને આટલી વિશાળ ઊંચાઈએ ધૂળ લાગવાની શક્યતા વધુ હોવાથી દર 15 દિવસે તેની સફાઈ કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે `ભારે પવન તેમ જ રજકણોને કારણે દર મહિને અમને રાષ્ટ્રધ્વજ બદલવો પડશે. તદુપરાંત તેનો રંગ ઝાંખો ન પડે તેનું સુધ્ધાં અમારે ધ્યાન રાખવું પડશે. તેવી જ રીતે ચોમાસાના ચાર મહિનામાં તેને ભારે વરસાદ અને વાવાઝોડાથી બચાવવા અમારે નીચે ઉતારી લેવો પડશે. અનેક મોટાં સ્મારકોમાં આ પ્રકારે રાષ્ટ્રધ્વજ ઉતારી લેવામાં આવે છે.
રાત્રિ દરમિયાન રાષ્ટ્રધ્વજને ઝળહળતો રાખવા માટે અમે વિશેષ પ્રકારની લાઈટિંગની પણ વ્યવસ્થા કરીશું. રાષ્ટ્રીય પ્રતીકોના મુદ્દે પ્રવર્તતી સંવેદનશીલતાને લીધે અમને ડગલે ને પગલે સજાગ રહેવું પડશે, એમ ખાને વધુમાં જણાવ્યું હતું.
તેમના જણાવવા મુજબ દરેક રાષ્ટ્રધ્વજ પાછળ અંદાજે રૂા. 22,000નો ખર્ચ થશે. જોકે, હજ કમિટીએ તેનું બજેટ ફાળવવા માટે સંમતિ દર્શાવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer