દિલ્હીમાં પીએમ મોદીએ કર્યું રાવણનું પૂતળાદહન

દિલ્હીમાં પીએમ મોદીએ કર્યું રાવણનું પૂતળાદહન
રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે કહ્યું, રામનું જીવન માનવ માટે સંદેશ
 
નવી દિલ્હી, તા.19 : વિજયા દશમીના તહેવાર ઉપર દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા મેદાનમાં તીર  છોડીને રાવણનું પૂતળા દહન કર્યું હતું. પૂતળા દહન પહેલા કાર્યક્રમમાં હાજર રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, સમાજના પ્રત્યેક વર્ગ ખાસ કરીને નબળા સમુદાયના લોકોને સન્માન આપવું અને તેમના માટે કામ કરવું રામના જીવનકાળમાં જેટલું પ્રાસંગિક હતું તેટલું જ આજે પણ છે. 
રાષ્ટ્રપતિએ સંબોધનમાં કહ્યું હતું કે, વિજયા દશમીનો તહેવાર માનવ મૂલ્યો અને આદર્શોની ઉત્કૃષ્ટતાનું પ્રતીક છે. આ એક એવું પર્વ છે જે સમાજમાં સત્ય, નૈતિકતા અને મર્યાદાપૂર્ણ વ્યવહારને અપનાવવાની પ્રેરણા આપે છે. આ સાથે રાષ્ટ્રપતિએ દેશવાસીઓને વિજયાદશમીની શુભેચ્છા પણ પાઠવતા કહ્યું હતું કે, રામ-કેવટ મિલન અને સબરીના બોર ખાવા જેવા ઉદાહરણ સમાજમાં સદભાવના અને સંવેદનશિલતાનું ઉદાહરણ આપે છે. રાષ્ટ્રપતિએ આગામી તહેવારોને અનુલક્ષીને વાયુ અને ધ્વની પ્રદુષણ નિયંત્રીત કરીને સ્વચ્છતા યથાવત રાખવાની અપીલ પણ કરી હતી. લવ કુશ રામલીલાના આયોજનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ સહિતના નેતાઓ સામેલ થયા હતા.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer