સબરીમાલા : મહિલાઓ પ્રવેશી શકી નહીં

સબરીમાલા : મહિલાઓ પ્રવેશી શકી નહીં
દેખાવકારો સામે પોલીસની પીછેહઠ : પૂજારીએ કહ્યું, `તાળું મારી દેશું'
 
નવી દિલ્હી/તિરુવનંતપુરમ/ નિલક્કલ, તા. 19 : કેરળના સબરીમાલા મંદિરમાં તમામ મહિલાઓને પ્રવેશની સુપ્રીમ કોર્ટની છૂટ બાદ આજે પણ મહિલાઓ મંદિરમાં પ્રવેશી શકી નહોતી. દેખાવકારોનાં દબાણને પગલે પોલીસે પીછેહઠ કરવી પડી હતી અને મંદિર જવા માટે નીકળેલી મહિલાઓએ પરત ફરવું પડયું હતું. કેરળ સરકારે મંદિરમાં તમામ વયજૂથની મહિલાઓને પ્રવેશની પરવાનગી આપી છે. પણ અમુક કાર્યકરો પણ અંદર ઘૂસવાના પ્રયાસમાં છે અમે તેની છૂટ આપી શકીએ નહીં. મંદિરમાં પ્રવેશનો પ્રયત્ન કરનારી મહિલા કાર્યકર રેહાના ફાતિમાના ઘરે આજે અમુક લોકોએ તોડફોડ કરી હતી. આ વિવાદમાં રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. સીપીએમએ આ વિવાદની તુલના બાબરી મસ્જિદ વિવાદ સાથે કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે આ ભાજપ અને આરએસએસનું કાવતરું છે. રાજ્ય દેવાસમ (ધાર્મિક ટ્રસ્ટ) મંત્રી કાડાકમપલ્લી સુંદરમે આ ઘટનાક્રમમાં કાવતરાની આશંકા દર્શાવી છે.
આજે મંદિર પાસે મોટી સંખ્યામાં પ્રદર્શનકારો સામે સરકાર અને પોલીસ પણ લાચાર બન્યા હતા. 250 પોલીસ કર્મચારીની સુરક્ષા વચ્ચે બે મહિલાએ મંદિરમાં પ્રવેશનો પ્રયાસ કર્યો હતો પણ સફળ થઈ નહોતી.મંદિરના મુખ્ય પૂજારીએ ચેતવણી આપી છે કે જો મંદિરમાં મહિલાઓએ પ્રવેશ કર્યો તો ધાર્મિક ક્રિયાઓ અટકાવી દેવાશે અને મંદિરને તાળું મારી દેવાનો નિર્ણય લીધો છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer