અમૃતસરમાં ભયાનક ટ્રેન દુર્ઘટના રાવણદહન જોતા 61 લોકો ચગદાઈ મર્યા

અમૃતસરમાં ભયાનક ટ્રેન દુર્ઘટના રાવણદહન જોતા 61 લોકો ચગદાઈ મર્યા
અમૃતસરમાં સાક્ષાત કાળ બની ટ્રેન : પાટા પર ઊભા રહીને દશેરા ઉત્સવ માણતા લોકોને કચડી માર્યા : 72 ઘાયલ
 
ચંદિગઢ, તા.19 (પીટીઆઈ) : પંજાબમાં વિજયાદશમીનો ઉત્સવ કમકમાટીભર્યા માતમમાં ફેરવી દેનારી વિકરાળ રેલ દુર્ઘટના ઘટી છે. આ અકસ્માત અમૃતસરમાં ચૌરા બજાર નજીક સર્જાયો હતો. જેમાં રેલવેનાં પાટા સમીપે રાવણદહનનો સમારોહ ચાલતો હતો ત્યારે જ પૂરપાટ ધસી આવેલી ટ્રેન ત્યાં પાટા ઉપર ઉભા રહીને આતશબાજી માણી રહેલી મેદનીને કચડતી પસાર ગઈ હતી અને ક્ષણવારમાં જ ચોમેર બિહામણી મરણચીસો અને રક્તરંજિત જમીનથી કરુણ દ્રશ્યો સર્જાઈ ગયા હતાં. સત્તાવાર રીતે આ ગમખ્વાર બનાવનો મૃત્યુઆંક 61થી ઉપર ગણાવાઈ રહ્યો છે પણ તે આંકડો 100 આસપાસ હોવાની આશંકા છે. આમાં 72 જણા ઘાયલ થયા છે.
અમૃતસરનાં જોડા ફાટક પાસે રાવણદહનનો કાર્યક્રમ જોવા માટે મોટી મેદની ઉમટી હતી. આતશબાજી જોવા માટે લોકો જ્યાં જગ્યા મળી ત્યારે ગોઠવાઈ ગયા હતાં. જેમાં મોટી સંખ્યામાં લોકો ટ્રેનનાં પાટા ઉપર ઉભા રહીને આતશબાજીનાં રંગબેરંગી નજારા માણી રહ્યા હતાં. ફટાકડાની ગુંજો અને લોકોનાં ઘોંઘાટ વચ્ચે પોતાનાં મોબાઈલમાં માહોલની તસ્વીરો અને વિડીયો ઉતારવામાં મગ્ન આ લોકોને એક બાજુથી પૂરી ઝડપે દોડી આવતી ટ્રેનનાં અવાજની ભનક પણ લાગી નહી અને જાણે સાક્ષાત યમરાજ ત્યાંથી પસાર થયા હોય તેમ લોકોની કચડતી એ ટ્રેન પાછળ લાશોનાં ગંજ ખડકતી પસાર થઈ ગઈ હતી. જેટલાં લોકોએ ટ્રેનને જોઈ લીધી હતી એમણે નાસભાગનો પ્રયાસ કર્યો હતો. જેમાં કેટલાંક સફળ થયા તો કેટલાંક ટ્રેનની ઝપટમાં આવી ગયા હતાં. 
જાણે આક્રમણકારીએ નિર્દોષોની કત્લેઆમ કરી હોય તેવા દ્રશ્યો સર્જાયા બાદ તત્કાળ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે દોડધામ મચી ગઈ હતી. બીજીબાજુ આ રાવણદહનનાં કાર્યક્રમમાં ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોત સિદ્ધુનાં પત્ની નવજોત કૌર સહિતનાં અગ્રણીઓ હાજર હતાં તેમણે આ બનાવને પગલે ધીમે પગલે રવાનગીનો રસ્તો પકડી લીધો હતો. જેને પગલે સ્થાનિકોમાં તેમની સામે પણ રોષ ભભૂક્યો છે.
પઠાણકોટથી અમૃતસર આવી રહેલી ટ્રેન નંબર 74943 રીતસર કાળ બનીને મોતનું તાંડવ સર્જી ગઈ છે. સામાન્ય રીતે કોઈપણ ભીડવાળા વિસ્તારમાં ટ્રેનની ઝડપ ઓછી હોવી જોઈએ પણ આ ઘટનાનાં જેટલા પણ વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે તેમાં જોવા મળે છે કે પાટા ઉપર મેદની હોવા છતાં ટ્રેનની ઝડપ સ્હેજ પણ ઘટી નહોતી. જેને પગલે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. એક તો ટ્રેનનાં પાટાની નજીક આટલા મોટા જલસાને મંજૂરી આપવા સામે પ્રશ્ન ઉભો થયો છે. તો બીજીબાજુ ટ્રેન ચાલકે ક્યા કારણોસર ટ્રેનની ઝડપ ઘટાડી નહી ? બ્રેક મારવાનો પ્રયાસ સુદ્ધાં કર્યો નહીં તે પણ મોટો સવાલ છે. 
બીજીબાજુ આ ઘટનાને પગલે સમગ્ર રેલતંત્ર અને સ્થાનિક પ્રશાસન ઘાંઘા બની ગયા હતાં અને આસપાસની હોસ્પિટલો કણસતા ઘાયલોથી ભરાવા લાગી હતી. મુખ્યમંત્રી અમરિન્દર સિંહ તત્કાળ અમૃતસર માટે રવાના થઈ ગયા હતાં અને ઘાયલોને સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં મફત સારવારની વ્યવસ્થાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત તેમણે મૃતકોનાં પરિવારજનો માટે 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાયની ઘોષણા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતનાં નેતાઓએ પણ આ કરુણાંતિકાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતાં શોક પ્રગટ કર્યો હતો. ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ મૃતકોનાં પરિજનોને દિલસોજી પાઠવી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer