સેનાએ દશેરા મેળાવડામાં ધ્વનિ પ્રદૂષણ કાયદાનું ઉલ્લંઘન કર્યું

મુંબઈ, તા. 20 : દર વર્ષની જેમ ધ્વનિ પ્રદૂષણ વિરોધી કાર્યકરોએ શિવસેનાની આ વર્ષની શિવાજી પાર્કમાં યોજાયેલી દશેરા રૅલીમાં પણ ફરીથી પરવાનગીપાત્ર ધ્વનિમર્યાદાનો ભંગ કરાયો હોવાનો આક્ષેપ કર્યો છે. શિવાજી પાર્કનો 110 સાઈલન્સ ઝોનની યાદીમાં સમાવેશ નહીં કરવા બદલ સુધ્ધાં સામાજિક કાર્યકરો પહેલેથી જ પાલિકા સાથે લડત ચલાવી રહ્યા છે. જોકે, પોલીસ અધિકારીઓએ અવાજનો સ્તર યોગ્ય તેમ જ સરેરાશ રીડિંગ કાયદાનું ઉલ્લંઘન નહીં કરનારો હોવાનો દાવો કર્યો હતો.
આવાઝ ફાઉન્ડેશનના આંકડા મુજબ અવાજનું પ્રમાણ મેળાવડામાં મહત્તમ 88.8 ડેસિબલ નોધાયું હતું. જ્યારે રહેણાંક વિસ્તારોમાં તે 55 ડેસિબલથી વધવું ન જોઈએ તેમ જ બૉમ્બે હાઈ કોર્ટના આદેશ મુજબ જો તે 65 ડેસિબલથી વધુ હોય તો પોલીસે ફરિયાદ નોંધવી જરૂરી બને છે., મેળાવડામાં સંજય રાઉતના ભાષણ વખતે અવાજનો મહત્તમ સ્તર 88.4 ડેસિબલ નોંધાયો હતો જ્યારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના ભાષણ વખતે તે 86.9 ડેસિબલ જેટલો રહ્યો હતો.
ફાઉન્ડેશનના સ્થાપક સુમેરા અબ્દુલઅલીના જણાવવા મુજબ મોટે ભાગે પોલીસ અવાજનું સરેરાશ રીડિંગ લે છે જે બરોબર નથી. ઘણી વખત ભાષણ દરમિયાન લોકોનો ઘોંઘાટ વધી જાય છે જે આરોગ્ય પર અવળી અસર કરે છે.
તેમણે કહ્યું હતું કે શિવાજી પાર્ક ભલે ગયા વર્ષથી સાઈલન્સ ઝોન ન રહ્યું હોય પરંતુ રહેઠાણ વિસ્તારમાં અવાજનો સ્તર સીમિત હોવો જરૂરી છે. સુમેરા અબ્દુલઅલી તેમનો અહેવાલ મુખ્ય પ્રધાન તેમ જ પોલીસ કમિશનરને મોકલશે.
દરમિયાન એડિશનલ પોલીસ કમિશનર રવીન્દ્ર શીશવેએ જણાવ્યું હતું કે મેળાવડાના સ્થળે મોજૂદ પોલીસની ટીમો નિયત સ્તર કરતાં અવાજ વધી ન જાય એ બાબતનું ધ્યાન રાખી તેનું રેકર્ડિંગ કરે છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer