અમૃતસર ટ્રેન ટ્રેજેડી : ટ્રેન ડ્રાઈવરની અટક, પૂછપરછ

અમૃતસર ટ્રેન ટ્રેજેડી : ટ્રેન ડ્રાઈવરની અટક, પૂછપરછ
રેલવે દ્વારા કોઈ તપાસ નહીં યોજાય : લોહાની
અમૃતસર, તા. 20 : અમૃતસરમાં ધોબીઘાટ નજીક જોરા ફાટકમાં ગઈસાંજે સર્જાયેલા ટ્રેન અકસ્માત સંબંધમાં પંજાબ પોલીસે ડીએમયુ (ડીઝલ મલ્ટીપલ યુનિટ)ના ડ્રાઈવરની લુધિયાણા રેલવે સ્ટેશને અટક કરી હતી તેમ જ પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવવા મુજબ ડ્રાઈવરે એવો દાવો કર્યો હતો કે ગ્રીન સિગ્નલ મળ્યું હોવાથી તેણે ટ્રેન પૂરપાટ દોડાવી હતી. ઘટનાસ્થળે ટ્રેકમાં સેંકડો લોકો ઊભા હોવાનો કોઈ ખ્યાલ તેને આવ્યો ન હતો.
રાવણદહનના કાર્યક્રમના આયોજકો - પંજાબ કૉંગ્રેસના નેતાઓ સામે પણ હજી સુધી કોઈ કારવાઈ કરવામાં નથી આવી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આયોજકો ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે. દરમિયાન રેલવે બોર્ડના અધ્યક્ષ લોહાનીએ જણાવ્યું હતું કે રેલવે ટ્રેક પર લોકોનો જમાવડો એ પરવાનગી વિના પારકી હદમાં પ્રવેશવાનો ગુનો બને (ટ્રેસપાસિંગ) બને છે. આ હોનારતમાં 61 જણ માર્યા ગયા હોઈ રેલવે દ્વારા તેની કોઈપણ તપાસ યોજાશે નહીં. લોહાનીએ શુક્રવારે મધરાતે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી.
દરમિયાન પંજાબના અમૃતસરમાં ગઈકાલે રાતે દશેરા નિમિત્તે રાવણ દહનને નિહાળવા એકઠા થયેલા લોકો પર એક ટ્રેન ફરી વળતાં 60 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 100થી વધુ લોકો ઘવાયા છે, જેમાં કેટલાકના હાથ તો કેટલાકના પગ કપાયા છે. જે વિસ્તારમાં રાવણ દહન કરવામાં આવ્યું હતું ત્યાં ટ્રેનના પાટા હતા, જેના પર ઊભા રહીને લોકો રાવણ દહનને નિહાળી રહ્યા હતા. એવામાં પૂરઝડપે આવેલી ટ્રેન પાટા પર જે લોકો ઊભા હતા તેઓને કચડતી ગઈ હતી જેને પગલે સ્થળ પર જ મોટી જાનહાનિ થઈ હતી.
આ ઘટના પછી એક પોસ્ટર ચર્ચામાં આવ્યું છે જે આયોજનસ્થળ પર લગાડવામાં આવ્યું છે. પંજાબીમાં તેના પર લખવામાં આવ્યું છે કે `અચ્છાઈ પર બુરાઈની જીત' આ પોસ્ટરમાં પંજાબ સરકારના પ્રધાન નવજોતસિંહ સિદ્ધુ અને તેમનાં પત્ની નવજોત કૌરની પણ તસવીર છે. કહેવાય છે કે દુર્ઘટના બની રહી હતી ત્યારે નવજોત કૌર પોતાની કારમાં બેસીને ચાલ્યાં ગયાં હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer