ચાયનાથી આયાત થતા સ્ટીલ પર એન્ટિ-ડમ્પિંગ ડયૂટી

ચાયનાથી આયાત થતા સ્ટીલ પર એન્ટિ-ડમ્પિંગ ડયૂટી
નવી દિલ્હી, તા. 20 : ભારતે કેટલીક ચીનની સ્ટીલની પ્રોડકટસની આયાત પર પાંચ વર્ષ માટે ટન દીઠ 185.51 ડૉલરની એન્ટી-ડમ્પિંગ ડયૂટી લાધી છે. આમ પડોશી દેશમાંથી તેની સસ્તી આયાત સામે ઘરઆંગણેના સ્ટીલ ઉદ્યોગને રક્ષણ આપવાનો આ પાછળનો હેતુ રહ્યો છે અને રેવન્યુ વિભાગે આ ડયૂટી ડિરેક્ટોરેટ જનરલ અૉફ ટ્રેડ રેમેડિઝ (ડીજીટીઆર)ની ભલામણના આધારિત લાધી છે.
જેએસડબ્લ્યુ સ્ટીલ, સનફ્લેગ આયર્ન ઍન્ડ સ્ટીલ કું., ઉષા માર્ટિન, જેરાદલ સ્ટીલ ઇન્ડિયા, વર્ધમાન સ્પેશિયલ અને જયસ્વાલ નીકો ઇન્ડસ્ટ્રીઝે સંયુક્ત રીતે મળીને ડીજીટીઆર સમક્ષ તપાસ કરવા સાથે કેટલીક સ્ટીલ પ્રોડકટ્સ પર એન્ટી-ડમ્પિંગ ડયૂટી લાધવા અનુરોધ કર્યો હતો.
આ મુદ્દે તપાસ કરી રહેલ ડીજીટીઆરે કહ્યું હતું કે ચીનથી સ્ટ્રેઈટ લેન્થ બાર્સ અને એલોય સ્ટીલના સળિયાની આયાત 2016-'17માં વધી છે. ચીન દ્વારા આ પ્રોડકટસની નિકાસ તેની સામાન્ય કિંમત કરતાં ઓછા દરે કરાય છે અને સ્થાનીય ઉદ્યોગને આથી ખાસ્સું સહન કરવાનું આવી રહ્યું છે.
આ ડયૂટી એલોય બાર્સ અને સીધી લંબાઇના સળિયાના જુદાજુદા પ્રકાર પર ટનદીઠ 44.89 ડૉલરથી 185.51 ડૉલરની રેન્જમાં લાધવામાં આવી છે. આ ડયૂટી પાંચ વર્ષની મુદત માટે અસરકારક રહેશે. જે તેની સત્તાવાર ગેઝેટમાં જાહેરાત કર્યાના દિવસ પછી અમલી બનશે અને તેની ચુકવણી ભારતીય ચલણમાં કરવાની રહેશે. એમ નોટિફિકેશનમાં જણાવ્યું હતું.
આ પ્રોડકટ્સનો વિવિધ સેગમેન્ટસ અને ક્ષેત્રોમાં જેવાં કે ફોર્જિંગ, અૉટોમોબાઈલ્સ, અૉટો કમ્પોનન્ટસ, ક્રેન્ક શાફ્ટ, સ્પ્રીંગ્સ, ગિયર્સ, ફાસ્ટનર્સ, સિમેન્ટ પ્લાન્ટસ, પાવર પ્લાન્ટ્સ, ટર્બાઈન્સ, શિપ - બિલ્ડિંગ અને રેલવે વગેરેમાં થાય છે.
2013-'14માં ચીનથી તેની આયાત જે 56,690 ટન હતી તે વધીને 2016-'17માં 1,80,959 ટનની થઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer