સુભાષ કપૂર આઉટ થતાં આમિરે પ્રોજેકટ સ્વીકાર્યો

સુભાષ કપૂર આઉટ થતાં આમિરે પ્રોજેકટ સ્વીકાર્યો
મી ટૂ ઝુંબેશે બોલીવૂડમાં અનેકના અંગત અને પ્રોફેશનલ જીવન પર પ્રહાર કર્યો છે. ગુલશનકુમારના જીવન પર આધારિત ફિલ્મ મુગલના દિગ્દર્શક સુભા, કૂપરનું નામ મી ટૂમાં સંડોવાતાં સહનિર્માતા આમિર ખાને ફિલ્મ સાથેનો છેડો ફાડી નાખ્યો હતો. જોકે, ફિલ્મના મુખ્ય નિર્માતા ભૂષણકુમારે સુભાષ કપૂરને દરવાજો દેખાડી દેતાં  ફરી આમિર આ પ્રકલ્પ સાથે જોડાયો છે. 
જોકે, આ અગાઉ આમિર અને તેની પત્ની કિરણે એક સહનિવેદનમાં જણાવ્યું હતું કે, સર્જક તરીકે આપણે સામાજિક સમસ્યાઓના ઉકેલમાં સહભાગી થવું જોઇએ. આમિર ખાન પ્રોડકશન્સમાં અમે જાતીય સતામણી તથા તે કરનાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે.
જાતીય સતામણીને અમે દૃઢપણે વખોડીએ છીએ અને આવા મૂકવામાં આવેલા જુઠ્ઠા આરોપને પણ અમે વખોડીએ છીએ.
આ નિવેદનમાં આમિરે કોઇનું નામ લીધા વગર જ જાતીય સતામણી કરનારા કે તેનું ખોટું આળ મૂકનારા સાથે પોતે સામાન્ય વર્તન નહીં કરે તથા અદાલતમાં તે કેસનો નિકાલ લાવવો જરૂરી છે એવું જણાવ્યું હતું. તેણે ઉમેર્યું હતું કે, અમારા ફિલ્મોદ્યોગને આત્મનિરીક્ષણ કરવાની તથા પરિવર્તનની દિશામાં મક્કમ પગલાં ભરવાની આ તક છે. લાંબા સમયથી મહિલાઓ જાતીય શોષણ સહન કરતી આવી છે, તે બંધ થવું જોઇએ.
આ સંદર્ભમાં ફિલ્મોદ્યોગને સુરક્ષિત અને આનંદિત કાર્યસ્થાન બનાવવા સૌએ પ્રતિબદ્ધ થવાનું છે. સુભાષ કપૂરે સ્વબચાવમાં કહ્યું હતું કે, હું આમિર અને કિરણના નિર્ણયને માન આપું છું. તેમણે મને અદાલતમાં મારી નિર્દોષતા પુરવાર કરવાનું કહ્યું છે અને હું તે કરીશ.  હવે આમિર ફરી ફિલ્મ મુગલ સાથે જોડાયો છે અને ભૂષણકુમાર નવા દિગ્દર્શકની શોધમાં છે. આ ઉપરાંત ફિલ્મના કલાકારોની પસંદગી પણ શરૂ થશે. અન્ય એક જાણકારી અનુસાર આમિર જ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવે એવી વકી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer