ફ્રેંચ ઓપન જીતવા પર સાઇના, સિંધુ અને શ્રીકાંતની નજર

ફ્રેંચ ઓપન જીતવા પર સાઇના, સિંધુ અને શ્રીકાંતની નજર
શ્રીકાંત માટે ખિતાબ બચાવવાનો પડકાર
 
પેરિસ, તા.22: ગત ચેમ્પિયન કિંદાબી શ્રીકાંત, ઓલિમ્પિક સિલ્વર સ્ટાર પીવી સિંધુ અને અનુભવી શટલર સાઇના નેહવાલની નજર મંગળવારથી અહીં શરૂ થઇ રહેલ ફ્રેંચ ઓપનમાં શાનદાર દેખાવ કરીને વર્ષનો પહેલો બીડબ્લ્યૂએફ ખિતાબ જીતવા પર રહેશે. દુનિયાની 10મા નંબરની ખેલાડી સાઇના ડેનમાર્ક ઓપનમાં ફાઇનલ સુધી પહોંચી હતી. જ્યાં તેને ફરી એકવાર નંબર વન તાઇ જૂ યિંગ સામે હાર સહન કરવી પડી હતી. જ્યારે કે. શ્રીકાંત ડેનમાર્ક ઓપનમાં સેમિ ફાઇનલ સુધી પહોંચ્યો હતો. શ્રીકાંત માટે  ડેનમાર્ક ઓપનથી આગળ વધીને ફ્રેંચ ઓપનનો તેનો ખિતાબ જાળવી રાખવાની કસોટી રહેશે. 
દુનિયાની ત્રીજા ક્રમની ખેલાડી પીવી સિંધુ ડેનમાર્ક ઓપનના પહેલા રાઉન્ડમાં જ હારીને ફેંકાઇ ગઇ હતી. તેની નજર આ દુ:સ્વપ્ન ભૂલીને ફ્રેંચ ઓપનમાં શાનદાર દેખાવ કરવા પર રહેશે. પુરુષ વિભાગમાં શ્રીકાંત ઉપરાંત સાઇ પ્રણિત અને સમીર વર્મા પણ ભારતનો પડકાર રજૂ કરશે. જ્યારે અશ્વિની પોનપ્પા અને સાત્વિક સાઇરાજ મિકસ ડબલ્સમાં રમશે. ફ્રેંચ ઓપન વર્લ્ડ ટૂર 750 ટૂર્નામેન્ટમાં મહિલા વિભાગમાં તાઇ જૂ અને પુરુષ વિભાગમાં કેંતો મોમોતા ખિતાબના પ્રબળ દાવેદાર મનાઇ રહયા છે. આ સિવાય કેરોલિના મારિન અને સિંધુ પણ દાવેદાર છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer